કરણ દેઓલના લગ્ન માટે ખૂબ ઉત્સાહિત છે ધર્મેન્દ્ર
મુંબઈ, પીઢ અભિનેતા ધર્મેન્દ્રના પરિવારમાં હાલ ઉલ્લાસનો માહોલ છે. ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના દીકરા કરણના લગ્ન થવા જઈ રહ્યા છે. કરણના લગ્ન માટે ધર્મેન્દ્રનો જૂહુમાં આવેલો બંગલો પણ રોશનીથી શણગારી દેવામાં આવ્યો છે. દેઓલ પરિવારમાં હાલ તડામારા તૈયારીઓ થઈ રહી છે.
૧૬થી૧૮ જૂન વચ્ચે કરણ દેઓલના લગ્નના પ્રસંગો યોજાશે. કરણ દેઓલ જાણીતા ફિલ્મ ડાયરેક્ટર બિમલ રોયની પૌત્રી દ્રિશા આચાર્ય સાથે લગ્ન કરવાનો છે. દ્રિશા દેઓલ પરિવારની વહુ બનવા માટે તૈયાર છે.
દરમિયાન, ધર્મેન્દ્રએ પૌત્રના લગ્ન અંગે ખુશી વ્યક્ત કરી છે. વાત કરતાં ધર્મેન્દ્રએ જણાવ્યું કે, તેઓ ખૂબ ખુશ છે કારણકે લાંબા સમય બાદ પરિવારમાં લગ્ન આવી રહ્યા છે. ધર્મેન્દ્રએ પૌત્ર કરણના વખાણ કરતાં કહ્યું, “તે ખૂબ ડાહ્યો છોકરો છે અને બધાની ખૂબ કાળજી લે છે. તેણે પોતાની જીવનસંગિની શોધી લીધી છે તે જાણીને ખૂબ હર્ષ થાય છે.
દ્રિશા અને કરણ પ્રેમમાં હોવાનું કઈ રીતે ખબર પડી? આ સવાલનો જવાબ આપતાં ધર્મેન્દ્રએ કહ્યું, ખબર તો પડી જ જાયને. હા, પણ તેણે સૌથી પહેલા પોતાની મમ્મી (સની દેઓલની પત્ની પૂજા)ને આ વાતની જાણ કરી હતી.
પૂજાએ પછી સનીને જણાવ્યું અને સનીએ મને વાત કરી હતી. મેં તેને કહ્યું કે, કરણને દ્રિશા ગમતી હોય તો આગળ વધવામાં કંઈ વાંધો નથી. જે બાદ મારી મુલાકાત દ્રિશા સાથે થઈ હતી. મારા ઘરે જ મુલાકાત ગોઠવાઈ હતી. દ્રિશા ખૂબ જ સમજદાર અને સુંદર છોકરી છે. તે ખૂબ સારા પરિવારમાંથી આવે છે. હું કરણ અને દ્રિશા માટે ખૂબ ખુશ છું. મારા આશીર્વાદ તેમની સાથે છે. દેઓલ પરિવારમાં દ્રિશાનું હું ખુલ્લા દિલથી સ્વાગત કરું છું”, તેમ વાત પૂરી કરતાં ધર્મેન્દ્રએ કહ્યું હતું.
દ્રિશા અને કરણનું રિસેપ્શન ૧૮ જૂનના રોજ મુંબઈની તાજ લેન્ડ એન્ડમાં યોજાશે. જેમાં બોલિવુડના મોટાભાગના સેલિબ્રિટીઝને આમંત્રણ અપાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કરણે લેડીલવ દ્રિશાને દુનિયાથી છુપાવીને રાખી હતી. જાેકે, થોડા દિવસ પહેલા જ તેઓ મુંબઈની એક જાણીતી રેસ્ટોરાંમાં લંચ માટે પહોંચ્યા હતા.
અહીં તેમણે એકસાથે મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યો હતો. કરણ દેઓલે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. કરણ દેઓલ તે બાદ ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘વેલ્લે’માં જાેવા મળ્યો હતો.SS1MS