Western Times News

Gujarati News

મહેસાણાના ધરોઈ ડેમ ખાતે તા. ૨૩ મેના રોજ દેશના સૌથી લાંબા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન 

  • એડવેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
  • પ્રવાસીઓ માટે અતિઆધુનિક AC ટેન્ટ સિટી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કુલ ૨૧ ટેન્ટ અને અંદાજિત ૧૦૦થી વધુ બેડની AC ડોર્મિટરીની સુવિધા

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું તા. ૨૩ મે, ૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ ‘એડ્વેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રી મુળુભાઈએ કહ્યું હતું કે, આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિઆધુનિક AC ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કુલ ૨૧ ટેન્ટ અને અંદાજિત ૧૦૦થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હૉલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલીક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઈડ, આગ સામે સુરક્ષાના પગલાં વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

‘ધરોઈ – એડવેન્ચર ફેસ્ટ’ એ માત્ર એક ઉત્સવ નહીં, પણ કુદરતી વાતાવરણમાં સાહસ, સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે. આ વેકેશન દરમિયાન તમારા પરિવાર અને મિત્રો સાથે ધરોઈની મુલાકાત લઈને એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા માટે પ્રવાસન મંત્રીશ્રીએ સર્વે પ્રવાસીઓને આમંત્રિત કર્યાં છે. આ ઉપરાંત ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’માં બુકિંગ અને વધુ વિગતો www.gujarattourism.com, www.dharoiadventurefest.com  અને www.bookmyshow.com  વેબસાઇટ પરથી મેળવી શકાશે, તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવ્યું છે.

 

બોક્ષ:- ટેન્ટ સિટી ખાતે રહેવા માટે ભાવપત્રક (જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે)

ક્રમ કેટેગરી રાત્રિ/૨-દિવસ

(રૂપિયા)

એકસ્ટ્રા વ્યક્તિ

(રૂપિયા)

રાત્રિ/દિવસ

(રૂપિયા)

એકસ્ટ્રા વ્યક્તિ

(રૂપિયા)

રજવાડી સ્યૂટ (બે વ્યક્તિ) ૭,૦૦૦ ૧,૦૦૦ ૧૩,૦૦૦ ૨,૦૦૦
પ્રીમિયમ ટેન્ટ (બે વ્યક્તિ) ૫,૫૦૦ ૧,૦૦૦ ૯,૦૦૦ ૧,૮૦૦
ડિલક્સ એસી સ્વિસ કોટેજ (બે વ્યક્તિ) ૪,૦૦૦ ૧,૦૦૦ ૬,૦૦૦ ૧,૨૦૦
પ્રીમિયમ ડોરમેટરી ૭૦૦ ૧,૩૦૦
એસી હેંગર ડોરમેટરી ૩૫૦ ૬૦૦

 

રજવાડી સ્યૂટ, પ્રીમિયમ ટેન્ટ અને ડિલક્સ એસી સ્વિસ કોટેજના પેકેજમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, બપોરે ચા-નાસ્તો અને રાત્રિ ભોજન આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.