ઢેલાણા ગામે જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ
સરકારની વિવિધ યોજનાઓનો લાભ કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને મળેઃ કલેકટર આનંદ પટેલ
(માહિતી બ્યુરો, પાલનપુર) શિક્ષણ અને જાગૃતિના અભાવે ગ્રામિણ વિસ્તારોમાં લોકો કેટલીક સરકારી યોજનાઓ વિશે પૂરતા માહિતગાર હોતા નથી અને તેથી સરકારી યોજના અભણ લોકો સુધી પહોંચી શકતી નથી ત્યારે જરૂરિયાતમંદ લોકો આ લાભથી વંચિત ન રહી જાય એ માટે “આપની સરકાર આપના દ્વાર” લોકાભિમુખ અભિગમ થકી લોકોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવાના ઉદેશથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભા યોજી લોકોને માહિતગાર કરવાનું અભિયાન હાથ ધરાયુ છે.
જે અંતર્ગત પાલનપુર તાલુકાના ઢેલાણા ગામે અનુપમ પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી.
જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો જેવા કે સમાજ કલ્યાણ વિભાગ, ખેતીવાડી વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, યુ.જી.વી.સી.એલ. વિભાગ, આઈ.સી.ડી.એસ.વિભાગ, પશુપાલન, બાગાયત સહિતના વિભાગો તેમજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી દ્વારા મળતી વિવિધ સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે અધિકારીઓશ્રી દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી ગામલોકોને વૃદ્ધ સહાય યોજના, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, સરકારી આવાસ યોજના, મિશન મંગલમ યોજના, સખી મંડળ, ગંગા સ્વરૂપા યોજના, ઇ-ધરા અંતર્ગત જમીનના દસ્તાવેજાેને લગતી કામગીરી, સંકટ મોચન યોજના, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના સહિતનો લાભ કઈ રીતે લાભાર્થીઓને મળે તે માટે લોકોને વિસ્તૃત માર્ગદશન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગામલોકોને વ્યસનથી દૂર રહી વ્યસનમુક્ત બનવા, નાની ઉંમરમાં ગુટખા, બીડી, તમાકુ, દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.