Western Times News

Gujarati News

હંમેશા કામના નિકાલ નહીં પરંતુ ઉકેલની વૃત્તિમાં માનનાર ઇન્ચાર્જ માહિતી નિયામક ધીરજ પારેખ વય નિવૃત થયા

પ્રમાણિકતા અને સાલસ સ્વભાવને પરિણામે કર્મચારીગણ તેમજ નાગરિકોના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે

મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી અને ઇન્ચાર્જ માહિતી નિયામક ધીરજ પારેખ વય નિવૃત

મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી તરીકે હાલમાં ફરજ બજાવતા સનદી અધિકારીશ્રી અને ઇન્ચાર્જ માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ આજે તા.૩૧મી જાન્યુઆરી-૨૦૨૪ના રોજ સરકારી સેવામાંથી વય નિવૃત્ત થયા છે.

મુળ કચ્છના શ્રી પારેખ જૈન પરિવારમાંથી આવે છે, તેઓશ્રી ગુજરાત વહિવટી સેવા(GAS)ના અધિકારી તરીકે સેવામાં જોડાયા હતા અને આજે અખિલ ભારતીય સેવા(IAS)માંથી વય નિવૃત્ત થયા છે. તેઓની બે દાયકાથી પણ વધુ સમયની સેવાના સમય ગાળા દરમિયાન ચિફ ઓફિસર, નાયબ કલેકટર, મંત્રીશ્રીના અંગત સચિવ, વિવિધ બોર્ડ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર જેવા અનેક મહત્વના પદો પર સેવાઓ આપી ચુક્યા છે.

હંમેશા કામના નિકાલ નહીં પરંતુ ઉકેલની વૃત્તિમાં માનનાર શ્રી પારેખ પ્રમાણિકતા, સમય પ્રતિબદ્ધતા, અરજદારના પ્રશ્નોને કુનેહ પૂર્વક નિકાલ કરવાની કળા, તાબાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પાસેથી કામ લેવાની આગવી શૈલી જેવા વિવિધ ગુણોના કારણોસર કર્મચારીગણ તેમજ સેવા આપેલ જિલ્લાની પ્રજાના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે.

તેઓશ્રીની સરકારી સેવા દરમિયાન કોવિડ-૧૯ મહામારી સમયગાળામાં ઓક્સિજન પ્લાન્ટની સવલત સહિત કરેલી વિવિધ કામગીરી તેમજ નાયબ કલેકટર તરીકેની સેવામાં વિવિધ લાયઝન/પરવાનામાં દાખવેલ આદર્શ પધ્ધતિ, વહીવટમાં પારદર્શિતા, જાહેર સ્થળોએ ઉપાડેલ સફાઈ ઝૂંબેશ, ગરીબ લાભાર્થીઓને એક જ વર્ષમાં ૭૦૦થી પણ વધારે આપેલ મફતગાળાના પ્લોટ, જાહેર માર્ગોમાં ગુણવત્તા માટે અપનાવેલ અભિયાન, શહેરી વિસ્તારના વિવિધ આવાસના કામોની ફાળવણી જેવા માળખાકીય વિકાસના કામો સહિત અનેકવિધ વિશિષ્ટ અને પ્રજાલક્ષી કામોને કારણે વિવિધ જિલ્લાના નાગરિકો આજે પણ તેઓશ્રીને અને તેમના કામોને યાદ કરે છે.

શ્રી ધીરજ પારેખનું નિવૃત્ત જીવન સદાય પ્રવૃત્તમય રહે અને આગળ પણ સરકારને તેઓના બહોળા અનુભવનો લાભ મળતો રહે તેવી શુભેચ્છાઓ તેઓશ્રીને પાઠવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.