જાપાનના મોટા રોકાણકારોએ ધોલેરામાં રોકાણ કરવાની ઈચ્છા બતાવી : JBIC ચેરમેન

JBICના (જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશન) ચેરમેન સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી
અમદાવાદ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે વિવિધ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ સાથે બેઠકોનો દૌર કર્યો હતો.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશનના ચેરમેનશ્રી ટડાશી મેઈડા, ગવર્નરશ્રી હયાશી નોબુમિત્સુ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. Dholera SIR is an area of focus for Japanese investors : JBIC Chairman
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જે.બી.આઈ.સી. અને ગુજરાત ઘણા સમયથી સહયોગી રહ્યા છે તેની વિગતો આપી હતી. જે.બી.આઈ.સી.ના ચેરમેનશ્રીએ મુખ્યમંત્રીશ્રી અને ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું અને જે.બી.આઈ.સી.ના રોકાણ સાથે નિપ્પોન સ્ટીલ સહિતના ભારતમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરી હતી.
ભારત સાથેની સહભાગીતાનો ઉલ્લેખ કરતા ચેરમેનશ્રીએ કહ્યું કે જે.બી.આઈ.સી. માત્ર હાઈસ્પીડ રેલને જ નહીં, પણ ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, વગેરે સેક્ટર્સને પણ ખૂબ મહત્વ આપી રહ્યું છે. ભારત સાથેની સહભાગીતાનો જાપાનીઝ કંપનીઓને ઘણો લાભ મળી રહ્યો છે. ધોલેરા એસ.આઈ.આર.એ જાપાનીઝ રોકાણકારો માટે ફોકસનો એરિયા છે અને તે માટે 2024ની વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાત સરકાર સાથે કામ કરવા તેઓ ઉત્સુક છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસની સરળતાને કારણે વિદેશી રોકાણો માટે ભારત આવવું સુગમ બન્યું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત અને ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા બદલ જે.બી.આઈ.સી.નો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ આ તકે જે.બી.આઈ.સી.ને પાઠવ્યું હતું.
આ બેઠકમાં જાપાન ખાતેના ભારતીય રાજદૂત શ્રી સીબ્બી જ્યોર્જ અને મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.