અમદાવાદનું એકમાત્ર સંપૂર્ણ આદિજાતિ વસ્તી ધરાવતું અનોખું ગામ એટલે ધોળકાનું અંધારી ગામ
લોકવાયકા પ્રમાણે આઝાદી પહેલાં, અંગ્રેજોના સમયકાળમાં અંકલેશ્વર પાસે આદિવાસી ભીલ લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. આ લોકોને અંગેજો તરફથી દબાણ અને અસુરક્ષાનો અનુભવ થતાં તેઓએ છુપાવા માટે અને સુરક્ષિત રહેવા માટે ધોળકાનો અંધારપટ વિસ્તાર પસંદ કર્યો.
અંધારાથી અજવાળા તરફ કૂચ કરતો અંધારી ગામનો આદિજાતિ ભીલ વસાવા સમાજ –ખેતી અને આરોગ્યની સેવાઓનો લાભ પહોંચ્યો અંધારી ગામના વસાવા આદિજાતિના લોકો સુધી
તા. 9 ઓગસ્ટને સમગ્ર વિશ્વભરમાં ‘વિશ્વ આદિજાતિ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આદિકાળથી ગાઢ જંગલમાં કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ.
શું તમે કલ્પના કરી શકો કે અમદાવાદ જિલ્લામાં પણ એક એવું ગામ હોઈ શકે, જ્યાં આદિજાતિ લોકો જ વસતા હોય? તમને જાણીને નવાઈ લાગશે કે, પણ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા અંધારી ગામમાં માત્ર આદિજાતિ ભીલ વસાવા સમાજના લોકો જ રહે છે.
લોકવાયકા પ્રમાણે આઝાદી પહેલાં, અંગ્રેજોના સમયકાળમાં અંકલેશ્વર પાસે આદિવાસી ભીલ લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. આ લોકોને અંગેજો તરફથી દબાણ અને અસુરક્ષાનો અનુભવ થતાં તેઓએ છુપાવા માટે અને સુરક્ષિત રહેવા માટે ધોળકાનો અંધારપટ વિસ્તાર પસંદ કર્યો. એક જ કુટુંબના છથી સાત લોકો આ અંધારી ગામમાં આવીને વસ્યા હતા. આ લોકોએ પોતાના કુટુંબનું વિસ્તરણ કર્યું; વિસ્તરણ અને સ્થળાંતરની પ્રક્રિયાના કારણે આ ગામમાં વસાવા જનજાતિના લોકો સ્થાઈ થયા. સમય જતાં આ ગામને અંધારી તરીકે જ ઓળખવામાં આવ્યું.
વર્ષ 1952થી અંધારી ગામનો ઉલ્લેખ સરકારી રેકોર્ડમાં જોવા મળે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અંધારી ગામની વસ્તી કુલ 515ની છે. આ 515 લોકો ફક્ત અને ફક્ત આદિજાતિ ભીલ સમાજમાં આવતા ‘વસાવા’ જનજાતિના લોકો છે. આજે પણ સમગ્ર અંધારી ગામમાં ભીલ સમાજના વસાવા જનજાતિના જ લોકો વસે છે.
નોંધનીય વાત એ છે કે 515ની વસ્તી ધરાવતા ગામમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળે છે. અંધારી ગામનો સાક્ષરતા દર 70.16 ટકા છે. અંધારી ગામના પુરુષોનો સાક્ષરતા દર 85.59% છે, જ્યારે સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.05% જેટલો છે. અંધારી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આદિજાતિના બાળકો અભ્યાસ કરે છે. ગુણોત્સવમાં અંધારી પ્રાથમિક શાળાના 82% ગુણ છે. શાળામાં સ્માર્ટ ક્લાસ, વ્યાયામ, ઇત્તર પ્રવૃત્તિઓ, મધ્યાહન ભોજન જેવી વ્યવસ્થાઓ બાળકો માટે ઉપલબ્ધ છે. નવાઈની વાત એ છે કે, 95% જેટલા બાળકો નિયમિતપણે શાળામાં હાજર રહે છે. અંધારી ગામના બાળકોના શિક્ષણમાં હવે ખરેખર અંધારું નથી રહ્યું તેવો શાળાના શિક્ષક શ્રી રાજેન્દ્રભાઈ પટેલનો મત છે.
અંધારી ગામના વસાવા જનજાતિના લોકો મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર છે. ગુજરાત સરકાર તરફથી અંધારી ગામમાં ખેતીવાડી શાખામાંથી 15 ટ્રેક્ટર માટેની સબસીડી તથા આદિમજૂથમાંથી ભેંસ લેવા માટે 100 જેટલી સબસીડી મંજૂર કરવામાં આવી છે.
અંધારી ગામમાં ભારત સરકાર તથા ગુજરાત સરકારની આવાસ યોજનાઓનો અમલ જોવા જઈએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામમાં 7 લાભાર્થીઓને લાભ મળ્યો છે. આદિમજૂથ મકાન યોજના હે જીઓ હેઠળ 80 જેટલા મકાનોને મંજૂરી મળેલ છે. સરદાર આવાસ યોજના હેઠળ 30 મકાન તથા ઇન્દિરા આવાસ યોજના હેઠળ 50 મકાનોને મંજૂરી મળી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 15 જેટલા આવાસના લાભાર્થીઓનો લાભ મંજૂર થયેલ છે. ઘરથાળ માટેના 15 પ્લોટને પણ આ ગામમાં મંજૂરી આપવામાં આવી છે.
અંધારી ગામમાં સ્વચ્છતા અને આરોગ્યમાં સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ 160 જેટલા શૌચાલયો બનાનાવા માટેની સહાય આપવામાં આવેલી છે જ્યારે ગામના 430 જેટલા લોકો પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ છે, જેના દ્વારા તેઓ આરોગ્યને લગતી સેવાઓનો લાભ લઈ શકે છે. જળ જીવન મિશન હેઠળ નળ સે જળ કાર્યક્રમ અંતર્ગત અંધારી ગામના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે. ગામના 70% જેટલા મકાનોમાં ડ્રેનેજ લાઈન પહોંચી ગઇ છે. આમ, સરકારની વિવિધ યોજનાઓ થકી અંધારીની અંધારાથી અજવાળા તરફની સફર અવિરત ચાલી રહી છે.
અંધારી ગામમાં લેવાતા પાકમાં ડાંગર, ઘઉં, કપાસ અને એરંડા મુખ્ય છે. મગ અને તુવેરનું ઉત્પાદન પણ અંધારી ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. અંધારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આદિજાતિ સમાજ આપણા સમાજનું અભિન્ન અંગ છે. અમદાવાદનું અંધારી ગામ વસાવા ભીલ જનજાતિના લોકો માટેની આગવી ઓળખ ધરાવે છે. આખું ગામ જ આદિજાતિ સમુદાયનું હોઈ, અંધારીને અનોખા આદિજાતિ ગામ તરીકે ઓળખીએ તો તેમાં કોઈ અચરજ નથી.
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે આપણે સૌ આદિવાસી સમાજનું યોગદાન યાદ કરીએ, તેમની સંસ્કૃતિ તથા પરંપરાઓના સંવર્ધન માટે સૌ પ્રયત્નશીલ રહીએ. ગુજરાત સરકાર આદિજાતિ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવા તથા તેમના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભીલ શબ્દ મૂળ દ્રવિડ ભાષાના બિલ્વ શબ્દમાંથી ઊતરી આવ્યો છે. ભીલ શબ્દનો અર્થ બાણ અથવા તીર એવો થાય છે. ભીલો પ્રાચીન કાળથી પોતાની સાથે કામઠી અને તીર રાખતા આવ્યા છે. વસાવા એ ભીલ જનજાતિની જ એક પેટાજાતિ છે. ભીલ રંગે ઘઉંવર્ણા, કાળા તેમજ ગોરા હોય છે. શરીરે મજબૂત બાંધાના, નીચા કદના, સુદૃઢ અને કસાયેલા હોય છે. તેઓ પોતાની આગવી ભિલોડી બોલીમાં વ્યવહાર કરે છે. પરંતુ, રોજગારી અર્થે અન્ય જગ્યાએ સ્થાળાંતર કરતા હોય છે. ખાસ અહેવાલ ◆ શ્રદ્ધા ટીકેશ પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ