ધોળકાની કેડીલા કંપનીમાં વોશરૂમમાં મહીલા કર્મચારીઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા

ધોળકાની કેડીલા કંપનીમાં ચાર કર્મી બેભાન થઈ ઢળી પડયા,એકનું મોત
(એજન્સી)ધોળકા, અમદાવાદ જીલ્લાના ધોળકાના ત્રાસદ રોડ પર આવેલ કેડીલા કંપનીમાં ચાર જેટલા કર્મચારીઓ અચાનક બેભાન થઈ પડયા હતા. જેમાં એક મહીલા કર્મચારી વર્ષાબેન રાજપુતનું મોત નીપજયું હતું. જયારે અન્ય ત્રણ કર્મચારી જેમાં નીધીબેન ડામોર,ગૌરવભાઈ ત્રિવેદી અને નીખીલભાઈ પટેલ એમ ત્રણ જેટલા કર્મચારીઓ ધોળકાને ખાનગી જીવનદીપ હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં સારવાર હેઠળ છે.
કંપનીમાં વોશરૂમમાં મહીલા કર્મચારીઓ અચાનક બેભાન થઈ ઢળી પડી હતી. તેમને બહાર કાઢતાં અન્ય બે પુરુષ કર્મચારીઓ બેભાન થયા હતા પરંતુ બેભાન થવાનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બનાવને લઈ કેડીલા કંપનીના જવાબદાર અધિકારીઓ ધોળકા પોલીસ અને પરીવારજનોને મોટી સંખ્યામાં હોસ્પીટલ દોડી આવ્યા છે.
કેડીલા કંપનીમાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતી સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેડીલા કંપનીમાં કોઈ કારણોસર કર્મચારીઓ બેભાન થઈ ગયા છે.
જેમાંથી એક મહીલા કર્મચારીનું મોત નીપજયું છે. મરણ જનારનું અમદાવાદની હોસ્પિટલમાં પેનલ ડોકટરથી પીએઅમ કરવામાં આવશે અને બેભાન થવાનું સાચું કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવશે.