ધોળકા શહેર અને તાલુકા કક્ષાએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ યોજાશે
ધોળકા ખાતે તા.13 ઓગસ્ટે યોજાશે તિરંગા યાત્રા ધોળકા પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોષીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
સમગ્ર અમદાવાદ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને તમામ તાલુકા કક્ષાએ ‘તિરંગા યાત્રા’ યોજાવાની છે ત્યારે ધોળકા શહેર અને તાલુકા કક્ષાએ પણ હર ઘર તિરંગાની ધામધૂમ ઉજવણી કરાશે.
‘હર ઘર તિરંગા’ અને ‘તિરંગા યાત્રા’ના સુચારુ આયોજન સંદર્ભે ધોળકા પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોષીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કાર્યક્રમના આયોજન સંદર્ભે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જે તે વિભાગોને કામગીરી સોંપી હતી.
વધુમાં પ્રાંત અધિકારીશ્રીએ ધોળકા તાલુકાના તમામ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ યોજાય તે બાબતે પણ તાલુકા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત ધોળકા શહેરમાં 13મી ઓગસ્ટે ‘તિરંગા યાત્રા’ યોજાશે. જેમાં શાળાના બાળકો, સામાજિક સંસ્થાઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાશે.
આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા.