ધોળકા તાલુકાની આ પ્રાથમિક શાળાએ મેળવ્યું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન
Ahmedabad, ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળાએ પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ઈંગોલી પ્રાથમિક શાળાના 200 બાળકો, 8 શિક્ષકો તથા 25 વાલીઓના સહિયારા પ્રયત્નથી શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિકની બોટલોનું એકત્રીકરણ કરી શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ દ્રઢ પગલાં ભરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઈંગોલી પ્રાથમિક શાળા ‘પ્લાસ્ટિક મુક્ત શાળા’ બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માધવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ‘પ્લાસ્ટિક મુક્ત શાળા’ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી ૧૩૦ શિક્ષકો /આચાર્યો દ્વારા ૧,૫૧,૦૦૦/- વેસ્ટ બોટલોમાં વેસ્ટેજ પ્લાસ્ટિક ભરી, એકત્ર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
જે અંતર્ગત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ-પ્રમાણપત્ર અને મેડલ વિતરણ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં ઇંગોલી શાળાને આ સન્માન પ્રાપ્ત થયું હતું. શાળાના આચાર્યશ્રી ધર્માંશુ એસ. પ્રજાપતિને મહાનુભાવોની હાજરીમાં શ્રી મહેશ મહેતાના હસ્તે એવોર્ડ પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યો હતો.
પર્યાવરણ જાળવણીના ભાગરૂપે, બાળકોમાં પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ વિશે જાગૃતિ આવે તથા બાળકો પોતાના રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે તે હેતુસર કરાયેલ આ પ્રવૃત્તિથી બાળકોને પ્રોત્સાહન મળ્યું છે અને તેઓ પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણ પ્રત્યે જાગૃત બન્યા છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી મહેશ મહેતા સચિવશ્રી સમગ્ર શિક્ષા અભિયાન, શ્રી એમ.કે.રાવલ નિયામકશ્રી-પરીક્ષા તથા શ્રી પુલકિત જોશી મદદનીશ સચિવ, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.