ધોળકાના ગાણોલ ગામે નદીકાંઠાના વિસ્તારોમાં ફસાયેલા 39 વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું
SDRFની ટીમ, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરાઇ રેસ્ક્યુ કામગીરી
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય વહીવટીતંત્ર ખડેપગે છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. ના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાભરમાં રાહત બચાવ કામગીરી આરંભી દેવાઈ છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાણોલ ખાતે નદીકાંઠાના વિસ્તારમાં ફસાયેલા 39 જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યું કરાયું હતું. આ રેસ્ક્યુ SDRFની ટીમ, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ વ્યક્તિઓ ધોળકા, ઇંગોલી, કૌકા અને ગાણોલ ગામના રહેવાસી હતા.
ગાણોલ પાસે ઇંટના ભઠ્ઠા વિસ્તારમાં કામ અર્થે રહેતા પરિવારો ભારે વરસાદના કારણે ફસાઈ ગયા હતા. બીજી બાજુ પૂરની સ્થિતિ સર્જાતા નદીકાંઠાના સીમવિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા જેના કારણે આ તમામ પરિવારોનું પોતાના ગામ જવું મુશ્કેલ બની ગયું હતું.
તેવામાં ધોળકા તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક પોલીસ અને SDRF ની ટીમ દ્વારા ભારે જહેમત બાદ તમામ 39 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું અને તેઓની ઘરવખરી પણ સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.
રેસ્ક્યુ બાદ તમામ લોકોને ગાણોલ પ્રાથમિક શાળા ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ પોતાના ગામ પરત ગયા હતા. પાણીમાં ફસાયેલા પરિવારોનો આબાદ બચાવ થતાં સૌએ વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો.