ધોનીએ ઘણી ભૂલો કરી છે, પરંતુ રોહિતને આવી ભૂલો કરતો નથી જોયો
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે બે દિગ્ગજ ખેલાડીઓના નેતૃત્વની સરખામણી કરી છે. પાર્થિવ પટેલે આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વના ગુણોની સરખામણી કરી હતી.
જેમાં તેણે કહ્યું હતું કે, ધોનીએ પણ ઘણી મોટી ભૂલો કરી છે પરંતુ રોહિત શર્માને આવી ભૂલો કરતો નથી જોયો. રોહિતની પ્રશંસા કરતી વખતે પાર્થિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ટીમમાં અપ્રતિમ શાંતિની ભાવના લાવે છે. તેના ઉત્તમ ઉદાહરણ બે આઈપીએલ છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એક રનથી જીતી હતી.
જો તમારી પાસે શાંત રહી શકે તેવા કેપ્ટન ન હોય તો તે શક્ય ન હોત. જ્યારે કોઈ તણાવપૂર્ણ મેચ હોય છે, ત્યારે ક્યારેક ખોટા નિર્ણયો લેવાઈ જાય છે અથવા ભૂલો થઈ જાય છે. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશિપની ખાસિયત એ છે કે છેલ્લા ૧૦ વર્ષોમાં યાદ નથી કે તેણે કોઈ ભૂલ કરી હોય.
ધોનીએ પવન નેગીને ઓવર આપવા જેવી ભૂલો પણ કરી છે, પરંતુ જો તમે રોહિતને જોશો, તો તમને ક્યારેય ભૂલ દેખાશે નહીં. પ્રક્રિયાને સરળ રાખવાની ધોની સલાહ આપે છે, પરંતુ અમે રોહિતને પ્રેક્ટિસ કરતા જોઈએ છીએ.
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહિર ખાને પ્રવર્તમાન સંજોગોના આધારે નિર્ણયો લેવામાં રોહિતની નિપુણતા અંગે વાત કરી હતી અને આ કૌશલ્યને તે આઈપીએલમાં કેપ્ટન માટે સૌથી પડકારરૂપ કાર્યોમાંનું એક માને છે. ઝહિર ખાને જણાવ્યું હતું કે, તમે રમત માટે અગાઉથી આયોજન કરી શકો છો પરંતુ કોઈને ખબર નથી કે મેચ દરમિયાન શું થશે.
રોહિત શર્મા પરિસ્થિતિઓ અનુસાર કાર્ય કરે છે અને નિર્ણયો લે છે. મને લાગે છે કે તે તેની તાકાત છે. આઈપીએલમાં પરિસ્થિતિ પર તાત્કાલિક નિર્ણય લેવો એ કેપ્ટન માટે સૌથી મોટો પડકાર છે અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે તે સારું કર્યું છે.
પાર્થિવ પટેલના જણાવ્યા અનુસાર રોહિતે તેના ખેલાડીઓને પૂરા દિલથી ટેકો આપ્યો છે અને તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ તેમની ક્ષમતાઓમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. મને લાગે છે કે સૌથી મહત્વની બાબત એ છે કે તે રોહિત તેના ખેલાડીઓને સપોર્ટ કરે છે.
આનું શ્રેષ્ઠ ઉદાહરણ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ છે. બુમરાહ ૨૦૧૪માં મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો હતો અને ૨૦૧૫ સુધીમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું ન હતું.
ટીમ મેનેજમેન્ટે તેને અડધી સિઝન પછી પરત મોકલવાનું પણ વિચાર્યું હતું. પરંતુ રોહિત શર્માએ તેની ક્ષમતામાં વિશ્વાસ રાખ્યો હતો અને ૨૦૧૬થી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુમરાહ ૨૦૧૪માં મુંબઈ ઈન્ડિયન્સ સેટઅપમાં જોડાયો હતો,
ત્યારથી તે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતના મુખ્ય ઝડપી બોલર તરીકે વિકસિત થયો છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં તેનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.
બીજી તરફ હાર્દિક પંડ્યા ૨૦૧૫માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા પછી ૨૦૨૨માં આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો અને પ્રથમ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી અને બીજી સિઝનમાં પણ ટીમને ફાઈનલ સુધી લઈ ગયો હતો. જ્યારે આગામી સિઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે જોવા મળશે.SS1MS