Western Times News

Gujarati News

ધોરાજીમાં શ્વાને ૧૨ કિલો ગાંજો બાથરૂમમાંથી શોધી કાઢ્યો

(એજન્સી)રાજકોટ, રાજકોટ ગ્રામ્ય પોલીસમાં માદક પદાર્થો શોધવા માટેની ખાસ તાલીમ લીધેલા “કેપ્ટો’ નામના ગુનાશોધક શ્વાનને કારણે ધોરાજીમાં એક મકાનમાંથી આસાનીથી ૧૨ કિલો ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ રૂરલ એસઓજીના સ્ટાફને એવી માહિતી મળી હતી કે ધોરાજીમાં ખીજડાવાળી શેરીમાં ભાડાના મકાનમાં રહેતો શાહબાઝ હુશેનિ દિલુભાઈ મકવાણા (ઉ.વ.૩૨) પોતાના મકાનમાં ચરસ-ગાંજાનું વેચાણ કરે છે. હાલ પણ તેની પ્રવૃતિ ચાલું છે.

આ માહિતીના આધારે પીઆઈ એફ.એ.પારગી અને પીએસઆઈ બી.સી.મિયાત્રા સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સાથો-સાથ તાજેતરમાં જ રાજકોટ રૂરલ પોલીસ બેડામાં સામેલ થયેલા અને માદક પદાર્થો પકડવાની તાલીમ લીધેલા ‘કેપ્ટો’ નામના શ્વાનને પમ પણ સાથે લીધો હતો. મકાનમાં જઈ “કેપ્ટો’ને છુટ્ટો મુકાતા જ તેણે બાથરૂમમાં જઈ પગ પછાડવાનું શરૂ કર્યું હતું.

તે સાથે જ એસઓજીની ટિમ બાથરૂમમાં પહોંચી હતી અને ત્યાં લટકી રહેલા થેલાની તલાસી લેતા અંદરથી ૧૨.૦૦૬ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એસઓજીએ તેની કિંમત રૂ.૧.૨૦ લાખ ગણી હતી. આ ઉપરાંત ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરાજી શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.શાહબાઝ હુશેન હાલ ડ્રાઈવિંગ કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

તે પોતે સુરતથી ગાંજો લઈ આવી તેની છૂટક પડીકી બનાવી વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૂળ તે રાજકોટનો વતની છે. અગાઉ ભગવતીપરા વિસ્તારમાં રહેતો હતો અને વર્ષ ૨૦૨૧માં તેને એસઓજીએ બેડી ચોકડી પાસેથી ૩૦૦ ગ્રામથી વધુ ચરસના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો.

ત્યાર પછી તે ધોરાજી રહેવા આવી ગયો હતો જયાં ફરીથી તેણે માદક પદાર્થોનો વેપલો શરૂ કરી દીધો હતો. હાલ પોલીસે તેને ગાંજો સપ્લાય કરનાર શખ્સો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. ૧૨ કિલો ગાંજો શોધવામાં મહત્વની ભૂમિકા ભજવનાર “કેપ્ટો’ લેબ્રાડોર નસલનો છે. તેની ઉંમર હાલ દોઢ વર્ષ છે. માદક પદાર્થો શોધવા માટે તેને ખાસ અમદાવાદમાં ૯ માસ સુધી તાલીમ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.