Western Times News

Gujarati News

વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સ બનશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સાંજે સુરત મુલાકાત દરમિયાન ખજોદમાં નિર્માણ થયેલા ડાયમંડ બુર્સ-ડ્રીમ સિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી

15 માળના નવ ટાવર અને ૬.૬૦ લાખ સ્કવેર મીટરની વિશાળ ફ્લોર સ્પેસ :-

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સુરત ખાતે સાકાર થયેલા તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ ની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રી ભારતીય નૌ સેનાના વોરશીપ ‘સુરત’ ના ક્રેસ્ટ અનાવરણ માટે સુરતની મુલાકાતે હતા. આ કાર્યક્રમ પૂર્વે તેમણે ખજોદના આ ‘સુરત ડાયમંડ બુર્સ’ ની મુલાકાત લઈને બુર્સની કોર કમિટી તથા જિલ્લા-શહેરના તંત્રવાહકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ ‘સુરત ડાયમંડ બુર્સ’ અંગેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે ૧૪.૩૮ હેક્ટરમાં પથરાયેલું આ ડાયમંડ બુર્સ ૧૫ માળના નવ ટાવર સાથે ૬.૬૦ લાખ સ્ક્વેર મીટરની વિશાળ ફ્લોર સ્પેસ ધરાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સુરત ડાયમંડ બુર્સ’ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તેમજ મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આના પરિણામે દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વર્લ્ડ ક્લાસ ટ્રેડ સેન્ટર મળશે અને તેનો સીધો લાભ દેશ તથા રાજ્યના અર્થતંત્રને મળવા ઉપરાંત અનેક રોજગાર અવસરો ઊભા થશે.

મુખ્યમંત્રીશ્રીએ ડાયમંડ બુર્સ સાથે ડ્રીમ સિટી પ્રોજેક્ટની પણ સમીક્ષા કરીને પ્રગતિની વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી.

આ બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના શ્રી મથુરભાઈ સવાણી, સવજીભાઈ ધોળકિયા, બુર્સ કમિટીના વિવિધ સભ્યો તેમજ મુખ્યમંત્રીશ્રીનાં અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પોલીસ કમિશનર શ્રી અજય તોમર, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.