Western Times News

Gujarati News

હેલ્થ વિભાગની બેદરકારીના પરિણામે ઝાડા-ઉલ્ટી- કમળો અને ટાઈફોઈડના કેસો વધી રહયા છે

પ્રતિકાત્મક

અમદાવાદમાં કોલેરાનો કહેર – ડેન્ગ્યૂનો ડંખ યથાવત

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહયો છે. ર૦ર૩ના સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યુ, ચીકનગુનીઆ, કોલેરા, અને કમળા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો જોવા મળ્યો છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પતિને નિયંત્રણમાં લેવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકન ગુનીઆના કેસોમાં પાછલા વર્ષની સરખામણીએ લેશમાત્ર પણ ઘટાડો થયો નથી. જયારે મ્યુનિ. હેલ્થ વિભાગની બેદરકારીના પરિણામે ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડના કેસો વધી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે કોલેરાના કેસમાં પણ સતત વધારો થયો છે. Diarrhea-vomiting and typhoid cases are increasing as a result of the negligence of the health department.

સ્માર્ટ સીટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે ચાલુ વર્ષ દરમિયાન ટાઈફોઈડના ૪ હજાર કરતા વધુ કેસ મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. ર૦ર૧માં ટાઈફોઈડના માત્ર ર૧૧૬ કેસ કન્ફર્મ થયા હતાં આમ ર૦ર૧ની સરખામણીમાં ર૦ર૩માં ટાઈફોઈડના કેસની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. તેવી જ રીતે કમળાના કેસમાં પણ વધારો થયો છે. ચાલુ વર્ષે ૧૭ ડીસેમ્બર સુધી કમળાના ૧૬૭૦ કેસ નોંધાયા છે. જે ર૦૧૯માં ૧૪૩૯ હતાં જયારે ઝાડા-ઉલ્ટીના ૬૬પ૬ કન્ફર્મ થયા છે.

ર૦ર૧માં ઝાડા-ઉલ્ટીના ૩૬૧૦ કેસ હતાં આ ઉપરાંત કોલેરાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. ર૦ર૩માં ૧૭ ડીસેમ્બર સુધી કોલેરાના ૮પ કેસ કન્ફર્મ થયા છે જેની સામે ર૦રરમાં માત્ર ૩પ કેસ નોંધાયા હતાં. ચાલુ વર્ષે ર૦રરની સરખામણીએ બમણા કરતા પણ વધુ કેસ નોંધાયા છે. શહેરના બહેરામપુરા, અમરાઈવાડી, લાંભા, ગોમતીપુર સહિતના વિસ્તારોમાંથી કોલેરાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મચ્છરોની ઉત્પતિને નિયંત્રણમાં લેવા માટે આઈઆર સ્પ્રે, ફોગીંગ સહિતની પ્રવૃતિ પાછળ કરોડો રૂપિયા ચુકવાઈ છે પરંતુ મચ્છરજન્ય રોગચાળામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના ર૪૮૦ કેસ નોંધાયા છે જે પૈકી સરકારી હોસ્પિટલમાં ર૦૦૯ અને ખાનગી હોસ્પિટલમાં ૪૭૧ કેસ નોંધાયા છે. શહેરના છ જેટલા વોર્ડમાં ડેન્ગ્યૂના કેસ ૧૦૦ ને પણ પાર કરી ગયા છે.

આ ઉપરાંત ઝેરી મેલેરિયાના કેસના આંકડા પણ ચિંતા ઉપજાવી રહયા છે. ચાલુ વર્ષ દરમિયાન ઝેરી મેલેરિયા ૧૬૪ કેસ નોંધાયા છે જયારે સાદા મેલેરિયા ૧૧૭૬ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચીકનગુનિયાના પ૩ કેસ કન્ફર્મ થયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.