અંગત જીવન પર નકારાત્મકતાનો સામનો કરવાનું અઘરુંઃ સારા
મુંબઈ, સારા અલી ખાન સોશિયલ મીડિયા પર દેખાય કે કોઇને ક્યાંય જતી દેખાય તો લોકો હવે ‘નમસ્તે દર્શકો’ બોલી ઊઠે છે. સારા અલી ખાન છેલ્લા છ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, જેણે અત્યાર સુધીમાં દસ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ‘સિંબા’, ‘લવ આજ કલ’ અને ‘અતરંગી રે’માં અલગ પ્રકારના રોલ પણ કર્યા છે. તાજેતરમાં સારાએ એક ઇન્ટરવ્યૂમાં ટ્રોલિંગ અને માનસિક આરોગ્ય અંગે વાત કરી હતી.
સાથે તેણે ઇન્ડસ્ટ્રીમાં કેવા પડકારોનો સામનો કરવો પડ્યો એ અંગે પણ વાત કરી હતી. સાથે જ તેણે માનસિક અને શારીરિક આરોગ્ય અંગે પણ વાત કરી હતી.પોતાના કામની પોતાની જાત પર થતી નકારાત્મક અસર અને માનસિક આરોગ્ય વિશે વાત કરતાં સારાએ કહ્યું, “પહેલાં મને મારી જાતને સાબિત કરવાનું અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું બહુ પ્રેશર લાગતું હતું.એ એક પડકાર હતો.
એવો સમય પણ આવતો જ્યારે મને ખુબ થાકેલી, ચિંતામાં કે બહુ જ ભાવુક હોય એવું લાગતું. ખાસ કરીને જ્યારે અંગત જીવન અને પ્રોફેશનલ લાઇફ સાથે જાહેર જીવનનું સમતોલન જાળવવું અઘરું થઈ જતું હતું. જો મારી વાત કરું તો મેં કેટલીક મર્યાદાઓ બાંધી લેવાનું અને મારી જાતની કાળજીને પ્રાથમિકતા આપવાનું શીખી લીધું છે.
મનને સ્વસ્થ રાખવાથી, વિનમ્ર રહેવાથી અને મારી જાતને મને સહકાર આપતા પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા ઘેરાયેલી રાખવાથી મને ઘણી મદદ મળી છે.”પોતાના માટે માનસિક આરોગ્યના મહત્વ અંગે વાત કરતાં સારાએ કહ્યું, “મારા માટે આરોગ્યનો આધાર તાલમેલ પર જ છે. માનસિક, ભાવનાત્મક અને શારિરીક આરોગ્ય વચ્ચે તાલમેલ જાળવીને જ સંતોષ અને સાયુજ્યભર્યું જીવન બનાવી શકાય.
સમજી વિચારીને જીવનમાં સ્વાસ્થ્યપ્રદ આદતો અપનાવીને અને માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપીને જ આપણે આપણી જાતની કાળજી લેવાની સફરમાં આગળ વધી શકીશું.”
સોશિયલ મીડિયા પર મળતા નકારાત્મક પ્રતિસાદ અંગે વાત કરતા સારાએ કહ્યું, “સોશિયલ મીડિયાના કારણે જ હું સમજી શકું છું કે લોકોને શું ગમશે અને શું નહીં. હું ખરેખર માનું છું કે આપણે લોકોના પ્રતિભાવ માટે તૈયાર રહેવું જોઈએ. ઘણા પ્રતિસાદ એવા પણ હોય જેનાથી આપણે આપણી જાતમાં ફેરફાર પણ કરી શકીએ છીએ, તેની હું હંમેશા રાહ જોઉં છું.”
ટ્રોલિંગ અને નકારાત્મક પ્રતિસાદ અંગે સારા કહે છે, “ટ્રોલિંગ અને ઇરાદાપૂર્વક કરેલી અંગત બાબતો અંગેની ટીકા પડકારજનક થઈ શકે છે. પરંતુ સમય સાથે મેં શીખી લીધું છે કે તેને હું મારા પર અસર ન કરવા દઉં. મેં સ્વીકારી લીધું છે કે બધાને બધું નહીં જ ગમે.
મારી જાતને પ્રાથમિકતા આપવી મતલબ નમ્ર રહેવું, મારા વિકાસ પર ધ્યાન આપવું, અને લોકોના પ્રતિસાદથી મનમાં શંકાઓ ઉભી કરવા કરતાં મારામાં સુધારા માટેનો સ્ત્રોત ગણવા. કારણ કે મારી જાતને હંમેશા હકારાત્મક રાખવી અને ઉત્સાહમાં રહેવું વધુ મહત્વનું છે.”SS1MS