કિસ્સો વાંચી ચોંકી જશોઃ વૃદ્ધાને 2 મહિના ડિજિટલ અરેસ્ટ કરી 20 કરોડ પડાવ્યા

નવી દિલ્હી, એક એવો કિસ્સો ડીજીટલ એરેસ્ટનો પ્રકાશમાં આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં ૮૬ વર્ષીય વૃદ્ધ મહિલા સાયબર ક્રાઈમ અને ડિજિટલ અરેસ્ટ સ્કેમનો ભોગ બન્યા છે. આધાર કાર્ડના દુરુપયોગ અંગે ફોન કરીને ગઠિયાઓએ તેમની પાસેથી રૂ.૨૦ કરોડ પડાવ્યા હતા.
પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને ગઠિયાઓએ વૃદ્ધાને આધાર કાર્ડનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને કેસ રફેદફે કરવા માટે તેમને અનેક બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું.
૨૬ ડિસેમ્બર ૨૦૨૪ થી ૩ માર્ચ ૨૦૨૫ દરમિયાન ગઠિયાઓએ વૃદ્ધા પાસેથી ૨૦.૨૫ કરોડ પડાવ્યા હતાં. આ સમગ્ર કૌભાંડની વિગતો એવી છે કે, પોલીસ તરીકેની ઓળખ આપનારે વૃદ્ધાને કહ્યું હતું કે, તેમના આધાર કાર્ડ અને તેમની અન્ય પર્સનલ માહિતીનો ઉપયોગ ભારતમાં નવું બેંક ખાતું ખોલવા માટે કરવામાં આવ્યો છે અને સંબંધિત ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંબંધિત નાણાં ટ્રાન્સફર શરૂ કરવા માટે થઈ રહ્યો છે.
ત્યારબાદ ગઠિયાઓએ પ્લાન મુજબ વૃદ્ધાને ધમકી આપવાનું શરુ કર્યું અને જણાવ્યું કે, તેમની સામે કાનૂની કાર્યવાહી કરાશે. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, આ કેસમાં તેમનું અને તેમની પુત્રી સહિત તેમના પરિવારના સભ્યો નામ પણ સામેલ કરાશે.
આમાંથી બહાર નીકળવા તેમને અનેક બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, કેસ ના પતે ત્યાં સુધી વૃદ્ધાને ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રહેવાની સૂચના આપી હતી.
જેથી વૃદ્ધા આની માહિતી કોઈને શેર કરી શક્યા નહીં. ગઠિયાઓએ ૨૦ કરોડથી વધુ રકમ પડાવી લેતાં આખરે વૃદ્ધાને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ટ્રાન્સફર ટ્રેક કર્યા હતા અને કૌભાંડમાં સામેલ અનેક ગઠિયાઓને અટકાયતમાં લીધા હતા.SS1MS