વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી 79 લાખ પડાવનારના જામીન કોર્ટે ના મંજૂર કર્યા
આરોપીએ મહિલા પાસેથી ૭૯.૩૪ લાખની રકમ પડાવી હતી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી વૃદ્ધાને ડિજીટલ એરેસ્ટ કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચર્યા કેસમાં પકડાયેલ નકલી સીબીઆઇ અધિકારીએ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં પકડાયેલ બેંગ્લોરના યુવકએ સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી ફરિયાદી પાસે પૈસા પડાવવા બનાવટી વોરન્ટ મોકલ્યું હતું અને વૃદ્ધાને ડિજીટલ એરેસ્ટ કર્યા હતા. જેમાં આરોપીના વકીલે તરફે મુખ્યત્વે એવી રજૂઆત કરી હતી કે, આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, આ કેસમાં પ્રત્યક્ષ રીતે મારો કોઇ જ રોલ નથી, અને કોર્ટ પાસે જામીન આપવાની સત્તા રહેલી છે.
અને આરોપીને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છે. તેથી કોર્ટે જામીન પર મુક્ત કરવો જોઈએ. જોકે આ જામીન અરજીનો વિરોધ કરતા અમદાવાદ સેશન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી સાથે અન્ય આરોપીઓએ મળી ગુનાઇત કાવતરું રચ્યું હતું.
ત્યારબાદ ૧૮ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન અજાણ્યા નંબરથી સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી ફરિયાદીને ફોન કરવામાં આવ્યા હતા. જેમાં ભાયખલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું જણાવી એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે. એટલુ જ નહિ ફરિયાદીને પૈસા પડાવવા માટે ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીના આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક એકાઉન્ટ સહિતની વિગતો લઇ લીધી હતી.
ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીના ૭૯.૩૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ કેસમાં આરોપીની સક્રિય ભૂમિકા છે, આરોપીએ અન્ય આરોપીની મદદથી અન્ય લોકોને પણ આ રીતે શિકાર બનાવ્યા છે, આ કેસમાં તપાસ ચાલી રહી છે, આવા કિસ્સા વધી રહ્યાં છે
ત્યારે આરોપીને જામીન આપવામાં આવે તો ફરી આવા ગુના કરે તેવી શક્યતા છે તેથી જામીન ન આપવા જોઈએ. બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટના બનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ પણ આવા કેસોને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.