અઠવાડીયાથી સર્વર બંધ રહેતું હોવાથી ડિજીટલ ફાર્મર કાર્ડનું રજીસ્ટ્રેશન થઈ શકતું નથી
તાલાલામાં ડિજીટલ ફાર્મર કાર્ડ ફરજીયાત પણ સર્વર બંધ, ખેડૂતો પરેશાન
તાલાલા, તાલાલા પંથકનાં ૪પ ગામના ખેડૂતોએ આધાર કાર્ડની જેમ ડીજીટલ ફાર્મર કાર્ડ બનાવવું ફરજીયાત છે. પરંતુ સર્વર અઠવાડીયાથી બંધ હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ફાર્મર કાર્ડનાં રજીસ્ટ્રેશન માટે બંધ પડેલ સર્વર તુરંત શરૂ કરવા તાલાલા તાલુકાનાં વાડલા ગીર ગામના સામાજીક યુવા અગ્રણી ધવલભાઈ કોટડીયા માગણી કરી છે.
જણાવેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના નાના મોટા અંદાજે પ હજાર જેટલા ખેડૂતો છે. પી.એમ. કિસાન સન્માનનીધી યોજનાનો લાભ મેળવતા તમામ ખેડૂતોએ આધારકાર્ડની જેમ ડીજીટલ ફાર્મરર કાર્ડ બનાવવા ફરજીયાત હોવાનો સરકારે આદેશ કર્યો છે. જે ખેડૂતો ડીજીટલ ફાર્મર કાર્ડ બનાવશે નહી તેવા લાભાથી ખેડુતોને રૂ.ર૦૦૦નો કિસાન સન્માન નીધી સહીત ખેડૂતોને મળવાપાત્ર કોઈપણ જાતની સરકારી યોજનાનો લાભ મળશે નહી. તેવી સરકારે તાકીદ કરી છે.
પરંતુ ફાર્મર કાર્ડ રજીસ્ટ્રેશન માટે સરકારે જાહેર કરેલ એગ્રીસ્ટેક પોર્ટલ તાલાલા પંથકમાં છેલ્લાં એક અઠવાડીયાથી બંધ હોય ફાર્મરકાર્ડ માટે જતા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ફાર્મર કાર્ડનું રજીસ્ટ્રેશન ગ્રામ પંચાયતોમાં તથા સીએસસી સેન્ટરમાં પણ થઈ શકતું નથી. જેથી ખેડૂતોએ ફાર્મર કાર્ડના રજીસ્ટ્રેશન માટે દરરોજ આમથી તેમ ભટકવું પડે છે. પી.એમ. કિસાન સન્માન નિધી તથા સરકારની કોઈપણ યોજનાના લાભથી ખેડૂતો વંચીત રહે નહી માટે ડીજીટલ ફાર્મર કાર્ડના રજીસ્ટ્રેશન માટેનું સર્વર વહેલી તકે શરૂર કરાવે તેવી રપ હજાર ખેડૂતો વતી યુવા અગ્રણી ધવલભાઈ કોટડીયાએ સરકાર સમક્ષ માગણી કરી છે.