ભારતમાં સંપૂર્ણ દુનિયાનાં ૪૦ ટકાથી વધારે લોકો પાસે મોબાઇલ ફોન
ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છેઃ મોદી
(એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી ૨૦૨૪નું ઉદઘાટન કર્યું. મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૪ની ૮મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરડિયા સિંધિયા, સંચાર રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાની, આઇટીયુના સેક્રેટરી જનરલ સુશ્રી ડોરેન બોગ્દાન-માર્ટિન, વિવિધ વિદેશી દેશોના મંત્રીઓ અને મહાનુભાવો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ટેલિકોમ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ જગતના યુવાનો અને મહિલાઓ અને સજ્જનોને આવકાર આપ્યો હતો. આઇટીયુનાં મહાનુભવોને આવકારતા મોદીએ પ્રથમ ડબલ્યુટીએસએ બેઠક માટે ભારતને પસંદ કરવા બદલ આભાર માન્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે ટેલિકોમ અને તેની સાથે સંબંધિત ટેકનોલોજીની વાત આવે છે, ત્યારે ભારત સૌથી વધુ કામ કરતા દેશોમાંનો એક છે. ભારતની ઉપલબ્ધિઓ ગણાવતાં મોદીએ કહ્યું હતું કે, ભારત વાસ્તવિક સમયમાં સંપૂર્ણ દુનિયાનાં ૪૦ ટકાથી વધારે લોકોનાં મોબાઇલ ફોન યુઝર બેઝ ૧૨૦ કરોડ કે ૧૨૦૦ મિલિયન, ૯૫ કરોડ કે ૯૫૦ મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અને ડિજિટલ વ્યવહારો ધરાવે છે.
તેમણે વૈશ્વિક ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ પર ચર્ચા કરવા અને ટેલિકોમ માટે વૈશ્વિક હિત તરીકે ભવિષ્ય પર ચર્ચા કરવા માટે ભારતને સ્થળ તરીકે પસંદ કરવા બદલ દરેકને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે.