ડિંગુચા કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ ટોરંટોમાં દેખાયો?
નવી દિલ્હી, અમેરિકા જવાનું સ્વપ્ન જોઈને વિદેશ ગયેલા ડિંગુચાના એક પરિવારના મોત પછી પોલીસ હજુ પણ આ કેસના મૂળમાં ઉતરવા પ્રયાસ કરી રહી છે.
આ કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક ફેનિલ પટેલનો હજુ સુધી પતો મળ્યો નથી, પરંતુ તાજેતરમાં ફેનિલ પટેલ કેનેડાના ટોરંટોમાં જોવા મળ્યો છે. જાન્યુઆરી ૨૦૨૨માં ગાંધીનગરના ડિંગુચાનો એક પટેલ પરિવાર કેનેડા બોર્ડર સપડાયો હતો અને કાતિલ ઠંડીમાં પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાએ ગુજરાતના લોકોને અને તંત્રને હચમચાવી દીધા હતા.
ગુજરાતની તપાસ એજન્સીઓને ઘણા સમયથી શંકા હતી કે ફેનિલ પટેલ અમેરિકા અથવા કેનેડામાં છુપાયેલો છે. પોલીસના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ કેસમાં બીજો મહત્ત્વનો આરોપી બિટ્ટુ પાજી પણ કેનેડામાં હોવાની શક્યતા છે.
કેનેડાની એક બ્રોડકાસ્ટિંગ કંપની સીબીસી દ્વારા આ વિષય પર ડોક્યુમેન્ટરી ફિલ્મ ફિફ્થ એસ્ટેટ બનાવવામાં આવી રહી છે. આ ચેનલની ટીમે ફેનિલનો પતો મેળવી લીધો છે. તેમણે તેનો ઈન્ટરવ્યૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી. તેઓ ફેનિલના ઘરે પણ પહોંચી ગયા હતા અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં કોઈ વાત થઈ શકી નથી.
૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર પર જગદીશ પટેલ, તેના પત્ની વૈશાલી અને બાળકો વિહાંગી અને ધાર્મિકના મૃતદેહ મળી આવ્યા હતા જેઓ સખત ઠંડીના કારણે થીજી ગયા હતા. જગદીશ પટેલ અને તેના પરિવારને કેનેડા-અમેરિકાની બોર્ડર પર પહોંચાડવામાં ફેનિલ પટેલ અને બિટ્ટુ પાજીનો હાથ હોવાની શક્યતા છે.
આ ઘટનાથી ભારત અને કેનેડામાં હાહાકાર મચી ગયો હતો અને સંગઠીત હ્યુમન ટ્રાફિકિંગ પર સૌનું ધ્યાન ગયું હતું. ડીસીપી (ક્રાઈમ) ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે આરોપીને ભારત લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. કેનેડિયન ઓથોરિટી સાથે આ વિશે સંપર્ક કરવામાં આવ્યો છે.
ફેનિલ પટેલ અને બિટ્ટુ પાજીના નામ આ કેસની એફઆઈઆરમાં સામેલ છે. તેમના પર માનવવધ અને માનવ તસ્કરીના આરોપ છે. તેમની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં અમદાવાદના યોગેશ પટેલ અને કલોલના ભાવેશ પટેલની ધરપકડ કરી હતી.
તેમણે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેઓ ફેનિલ પટેલ સાથે મળીને કામ કરતા હતા. ગુજરાતથી લોકોને કેનેડા પહોંચાડવામાં આવે ત્યાર પછી ત્યાંથી આગળનું બધું કામ ફેનિલ પટેલ સંભાળતો હતો. અંતમાં બધાને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવામાં આવતા હતા.
ગુજરાતમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. ડિંગુચાની કરુણ ઘટના બન્યા પછી પણ લોકોમાં આ અંગે જાગૃતિ આવી ન હતી. માર્ચ ૨૦૨૩માં એક બોટ ડૂબી ગયા પછી ચૌધરી પરિવારના સભ્યોના મોત થયા હતા. તેઓ પણ ઈલિગલી બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા હતા. આ કેસમાં ભરત પટેલ ઉર્ફે બોબીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ માને છે કે બે આરોપીઓ કેનેડા અને યુએસમાં હોવાની શક્યતા છે.SS1MS