ડાયનોસોર રાજકુમારી : આલિયા સુલતાના બાબી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/drg.jpg)
વર્ષ ૧૯૯૭માં ભૂવૈજ્ઞાનિકોની ટીમ બાલાસિનોર આવી કે જ્યાં ડાયનાસોરના અશ્મિ મળ્યા હતા ત્યાં આવ્યા ત્યારે આલિયા તેમની સાથે રહ્યા હતા, તેમના પ્રયત્નોથી રાજ્ય સરકારે સાઈટને સંરક્ષિત જાહેર કરી
એક નાનકડી દીકરી જયારે ભણવા બેઠી ત્યારે અંગ્રેજી મૂળાક્ષરો શીખતી વખતે તે ‘ડી’ ફોર ‘ડોગ’ નહી પરંતુ ‘ડી’ ફોર ‘ડાયનોસોર’ બોલતી. એ સીમયે ‘જુરાસિક પાર્ક’ ફિલ્મ હજી આવી નહોતી, કે નહોતું કોઈ ‘નેટ’ વાપરતું, છતાં એ દીકરીને ડાયનોસોર પ્રત્યે આટલો લગાવ કેમ હશે ? ડાયનોસોરની વાત નીકળી તો ભારત દેશના પ્રથમ અને દુનિયાના સૌથી મોટા ગણાતા જુરાસિક પાર્કસમાંનું એક એવું ગુજરાતના ખેડા જિલ્લાનું જુરાસિક પાર્ક યાદ આવી ગયું.
ભારતનું એક માત્ર જુરાસિક પાર્ક- બાલાસિનોર ફોસિલ પાર્ક ખેડાના નાના એવા ગામ રૈયોલીમાં આવેલું છે અને આ પાર્કમાં ૬પ મિલિયન વર્ષ અગાઉના ઈંડાની રખેવાળી કરવાનું કામ કરે છે એક સંવેદનશીલ રાજકુમારી, જેનું નામ છે આલિયા સુલતાના બાબી. ઓળખાણ પડી ? આ રાજકુમારી આલિયા એટલે એ જ નાનકડી દીકરી જે ‘ડી’ ફોર ‘ડાયનોસોર’ બોલતી !
રાજકુમારી આલિયા બાલાસિનોરના નવાબના પુત્રી છે. તેઓ પ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીના પરિવારના છે. બાલાસિનોરમાં તે એકમાત્ર વ્યક્તિ છે જે અંગ્રેજીમાં વાત કરીને પ્રવાસીઓને ગાઈડ કરે છે. તેઓ જિવાશ્ય રિઝર્વના આકર્ષક પર્યટન આયોજિત કરે છે.આલિયા મિલનસાર, ખુશમિજાજ અને જમીનથી જાેડાયેલા છે. ૧૯૮૧ના શિયાળામાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના વૈજ્ઞાનિકોની ટીમને રૈયોલી ગામની શિલાઓમાં જિવાશ્મીઓ પ્રાપ્ત થયા હતા. તેમને ખનિજ સર્વેક્ષણ દરમ્યાન મોટા ફળ જેવા કંઈક અસામાન્ય પથ્થર પ્રાપ્ત થયા હતા. વેબ પરીક્ષણ બાદ સુનિશ્ચિત થયું કે તે ડાયનાસોરના ઈડાં હતાં.
સમયાંતરે ૯૦ના દશકની શરૂઆતમાં ‘જુરાસિક પાર્ક’ ફિલ્મ રિલીઝ થઈ હતી. દુનિયાભરમાં ડાયનાસોર સંબંધી કૂતૂહલ હતું. આલિયા તો આ ફિલ્મના સ્વાભાવિક જ પ્રશંસક હોય જ. આ ફિલ્મ બાદ તે આ ક્ષેત્રના પ્રાગઈતિહાસમાં રસ ધરાવતા થયા હતા. એ સમય દરમ્યાન તેઓ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા. ૧૯૯૭માં ભારતીય ભૂવૈજ્ઞાનિકોની સર્વેક્ષણ ટીમના આમંત્રણને માન આપીને આલિયાએ પ્રથમ વખત સાઈટની મુલાકાત લીધી હતી. એ સમયે વિદેશોથી કેટલીય વૈજ્ઞાનિક ટીમો રૈયોલી આવી હતી અને તેમના પિતા, નવાબ મોહમ્મદ સલબતખાન બાબીના મહેલમાં એક ‘હેરિટેજ હોટેલ’ હોય એ રીતે એ લોકો રહેવા લાગ્યા. જિવાશ્મી રિઝર્વના રિસર્ચની સાઈટ પર જવા લાગ્યા. વૈજ્ઞાનિકો સાથે રહેવાથી તેને આ વિષયમાં ખૂબ શીખવા મળ્યું.
આલિયાએ શિલાઓમાં ફસાયેલા જિવાશ્મી ભાગોની ઓળખ કરવાનું શીખી લીધું. તેમણે ડાયનોસોર પર સંપૂર્ણ સ્વઅધ્યયન કર્યું અને આ વિષય પર ડિગ્રી પ્રાપ્ત કરવાનું વિચાર્યું.સમય સાથે આ દુર્લભ ઐતિહાસિક સ્થળ માટેનો તેમનો જુસ્સો ડાયનોસોર પ્રત્યેની આજીવન રૂચિમાં ફેરવાઈ ગયો. એ સમયે આ સ્થળને સંરક્ષિત કરવા માટે સ્થાનિક લોકોને શિક્ષિત કરવા અને તેમનો સહયોગ પ્રાપ્ત કરવો એ એક પડકારરૂપ કાર્ય હતું અને ત્યારે આલિયા આ પાર્કની સુરક્ષા માટે જાણે એક યોદ્ધા બની ગયા. ચરવા માટે આવતા પશુઓને દૂર ભગાડવા તે સાઈટ પર જ રહેવા લાગ્યા હતા. જિવાશ્મને બહાર કાઢતા રોકતા. કોઈ પણ પર્યટક સ્મૃતિચિહન રૂપે કિંમતી અશ્મિઓ લઈ જવા ઈચ્છે તો તે રોકતા.
આલિયાના પ્રયત્નો થકી જ ગુજરાત સરકારે સાઈટને સંરક્ષિત જાહેર કરી. સાઈટની ફરતે વાડ લગાવવામાં આવી, ગાર્ડની નિમણૂક કરાઈ. તેમના સતત જાગૃત અભિયાનના કારણે સ્થાનિય ગામલોકો આજે સાઈટનું મહત્વ સમજે છે. તેઓ આગંતુકો માટે ગાઈડ તરીકે કામ કરે એ માટે આલિયાએ તેમને વ્યક્તિગત રીતે તાલીમ આપી છે.
આલિયા આજે ‘ડાયનોસોર’ પ્રિન્સેસ’ અને ‘ડોકટર ડાયનોસોર? તરીકે પ્રસિદ્ધ છે. ર૦૦૯માં તે બીબીસી રિયાલિટી શો ‘અંડર કવર પ્રિન્સેસ’માં ભાગ લેવા ઈંગ્લેન્ડ ગયા હતા. પોતાના આ ક્ષેત્રના કામ માટે માતા-પિતા તરફથી મળતા સહકાર બદલ તે તેમના આભારી છે. આલિયાએ સરકાી શાળાને દત્તક લીધી છે. બાળકોને નોંધપોથીઓ, લંચ બોકસ વગેરે પુરા પાડે છે તે અન્ય રાજયોમાં અને વિદેશની શાળા, કોલેજાેમાં આ વિષય સંદર્ભે માર્ગદર્શન આપવા જાય છે. સ્થાનિય લોકોને સંગ્રહાલયની દેખરેખ માટે તાલીમ આપે છે. એ લોકોના રોજગાર માટે પ્રયત્નો કરે છે. સંગ્રહાલયની કેન્ટિન ગામની મહિલાઓ ચલાવે છે. પુરુષોને ગાર્ડ અને સંગ્રહાલયના સંચાલક તરીકેનું કામ સોંપવામાં આવ્યું છે. આલિયાના ભાઈ ગાર્ડન પેલેસ હેરિટેજ હોટેલની વ્યવસ્થા સંભાળે છે? તેમના માતા બેગમ ફરહબ સુલ્તાના શાહી રસોડું ચલાવે છે. મુલાકાત માટે આવનારને પારંપરિક બાલાસિનોર ભોજન પીરસાય છે.
આલિયાની કવર સ્ટોરી ફેમિના હેલો, હેબ્બાટજ, જીઆર ૮, ઈન્ડિયા ટુડે, ટાઈમ્સી ઓફ ઈન્ડિયા, ડેઈલી મેલ, ધ ઈન્ડિયન એકસપ્રેસ જેવા ભારતીય અને વિદેશી સમાચારપત્રો અને સામાયિકોમાં છપાઈ ચૂકી છે. હેલો મેગેઝિન અને રોયલ ફેબલ્સ દ્વારા તેમની સેવાઓ માટે પ્રમાણપત્ર પણ એનાયત થયા છે. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ની ‘ટાઈમ્સ પાવર વુમન-ર૦૧૯’ની યાદીમાં આલિયાને સ્થાન આપવામાં આવ્યું છે. તો ન્યુયોર્ક પ્રે ન્યુઝ એજન્સી દ્વારા બહાર પડેલી પ૦૦ ચોથી પ્રભાવશાળી લોકોની યાદીમાં અગ્ર પ૦ વ્યક્તિઓમાં આલિયાને સ્થાન આપવામાં આવ્યું છે. અભિનંદન આલિયા… આપે આપની આગવી સૂઝબુઝથી એક વિશિષ્ટ જીવની વિશિષ્ટ દુનિયામાં ખેડાણ કર્યું અને ભારતની આ આગવી વિરાસતની સુરક્ષા, માવજત કરી રહ્યા છો !