ડેપ્યુટી મ્યુનિ. કમિશનર પર હુમલો કરનાર કુખ્યાત દીપા ઠાકોરના જુગારધામનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ સામેથી જુગારધામ ઝડપી પાડયું: ૧૩ ખેલીઓની ધરપકડ-કિંજલ ડાઈનિંગ હોલ સામે દીપા ઠાકોરે પોતાની એસી ઓફિસ પણ બનાવી હતી જે તોડી નાંખવામાં આવી હતી.
(એજન્સી)અમદાવાદ, સિવિલ હોસ્પિટલ સામે આવેલા વરલી મટકાના જુગારનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કર્યો છે અને ૧૩ ખેલીઓની ધરપકડ કરી છે. વરલી મટકાનો જુગાર ચલાવનાર બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત દીપા ઉર્ફે દીપક ઠાકોર છે. દીપા ઠાકોરે જેલમાંથી છૂટીને આવ્યા બાદ જુગારનો અડ્ડો શરૂ કરી દીધો હતો જેના પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સિવિલ હોસ્પિટલ સામે આવેલા કિંજલ ડાઈનિંગ હોલની ગલીમાં કુખ્યાત દીપા ઉર્ફે દીપક ઠાકોર વરલી મટકાનો જુગાર ચલાવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી
જેમાં ફકીર મોહમ્મદ મન્સૂરી, કોકિલા ઠાકોર, ભાસ્કર મુદલિયાર, સંતગોપાલ નાયી, દશરથ બાલુયાર, હિરેન ગોહિલ, જીતેન્દ્રસિંહ સિસોદીયા, અજય પટેલ, ઉદેસિંહ રાજપૂત, હબીબ શેખ, કમલકિશોર યાદવ, નિલેશ કદમ અને ગુલામુદ્દીન સૈયદની ધરપકડ કરી છે. જુગારનો અડ્ડો દીપાજી ઉર્ફે દીપક ઠાકોર અને ફિલિપ ઉર્ફે ચીકુ અમીન ચલાવતો હતો.
વરલી મટકાના અડ્ડા પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૪ર હજારની રોકડ રકમ જપ્ત કરાઈ છે જ્યારે તમામ જુગારિયાની પણ ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી વરલી મટકાનો જુગાર ધમધમી રહ્યો હતો અને તેની પાસે જ કેટલાક પોલીસ કર્મચારીઓ બેસતા હતા. વરલી મટકાના જુગારનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે કરતાં સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦ર૩માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર (સેન્ટ્રલ ઝોન) રમ્ય ભટ્ટ અને તેમની ટીમ પર સિવિલ હોસ્પિટલ પાસે જીવલેણ હુમલો થયો હતો.
આ કથિત હુમલો ત્યારે થયો જ્યારે એએમસીની ટીમ અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ નજીક ફૂટપાથ પર દબાણ કરતી ફૂડ વાન અને ગાડીઓને દૂર કરવા થઈ હતી. ત્યારબાદ ભટ્ટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સ્થિર હતી.
પોલીસે ૧૬ લોકો સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી નવની ઓળખ કરી લીધી હતી. રમ્ય ભટ્ટ પર હુમલો કરનાર માસ્ટર માઈન્ડ દીપા ઠાકોર અને તેનો ભાઈ હતા જેમની પોલીસે ધરપકડ કરી હતી.
રમ્ય ભટ્ટ પર હુમલો થયો તે દિવસે દીપા ઠાકોરની બર્થ-ડે હતી જ્યાં તેઓ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા. આ હુમલા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે લાલ આંખ કરી હતી અને દીપા ઠાકોરે બનાવેલા ગેરકાયદે બાંધકામ તોડી નાંખ્યા હતા.
કિંજલ ડાઈનિંગ હોલ સામે દીપા ઠાકોરે પોતાની એસી ઓફિસ પણ બનાવી હતી જે તોડી નાંખવામાં આવી હતી. દીપા ઠાકોરની દાદાગીરી એટલી હતી કે તે કોઈપણ રાહદારી પર હુમલો કરતો હતો. રમ્ય ભટ્ટ પર હુમલો કરનાર દીપા ઠાકોરના ભાઈનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું.