દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ રમીને અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદમાં ડુમરાલ પાસે જે.ડી.પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી નેક્સેસ ગ્રૂપ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઇ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌઉજન્યથી યોજાયેલી દિવ્યાંગો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વહીલચેર પર કુશળતા પૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
ગુજરાત વહીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે એક ભારત,નેક ભારતની થીમ પર વહીલચેર ક્રિકેટ ખેલાઈ રહી છે.અગાઉ આંતર રાજ્ય અને આંતર રાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગો વહીલચેર ક્રિકેટ રમી ચુક્યા છે.વર્ષ ૨૦૨૫માં અશિયાકપનું પણ આયોજન થવાનું છે.
સરદાર પટેલ ટેલેન્ટ ઓન વહીલ અંતર્ગત ભારત એ અને ભારત બી એમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે નડિયાદમાં આ ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં સામાન્ય ક્રિકેટમેચની જેમ જ બધા નિયમો અનુસાર મેચ રમાઈ હતી.૧૫ ઓવરની આ મેચ રોમાંચક રહી હતી.જેનું ઉત્કૃષ્ટ એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વહીલચેર પરથી જ કરાયું હતું.
આ મેચ પૂર્વે ઉદ્ઘાટન સમારંભમાં અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ,નેક્સેસ ગ્રૂપના ધર્મેશભાઈ પટેલ, નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલ,આણંદ પાલિકાના પૂર્વ પટેલ વિજયભાઈ માસ્તર, નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રભાઈ દેસાઈ ,સહકારી અગ્રણી જે.ડી.પટેલવગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યાંગો માટેની આ બીજી વખત જેડી પટેલ ગ્રાઉન્ડ નડિયાદમાં યોજાઈ હતી.જેમાં વહીલચેર ક્રિકેટ મેચ પ્રથમવાર ખેલાઈ હતી.ઉલ્લેખનિય છે કે અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઇ પટેલ અને નેક્સેસ ગ્રૂપના ધર્મેશભાઈ પટેલ દ્વારા વહીલચેર ફાઉન્ડેશન ને રૂ ૮૦ હજારનો ચેક અર્પણ કરાયો હતો.