કુદરતી આપત્તિનું વ્યવસ્થાપન એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે: ડૉ. રાજીવ ગુપ્તા, DG-GIDM

NFSU ખાતે ‘લો એન્ફોર્સમેન્ટ એન્ડ સિક્યોરિટી રિસ્પોન્સિસ ડ્યુરિંગ નેચરલ ડિઝાસ્ટર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ’ વિષય પર બે દિવસીય સેમિનાર યોજાયો
આપત્તિ વ્યવસ્થાપન અંગેનો આ સેમિનાર નવેમ્બર-2023માં NFSUના યજમાનપદે યોજાનારી 12મી “ઈન્ટરપા કોન્ફરન્સ”ની પૂર્વભૂમિકારૂપ: ડૉ. જે.એમ. વ્યાસ
સ્કૂલ ઓફ પોલીસ સાયન્સ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને મહિન્દ્રા ડિફેન્સના સહયોગથી ‘લો એન્ફોર્સમેન્ટ એન્ડ સિક્યોરિટી રિસ્પોન્સિસ ડ્યુરિંગ નેચરલ ડિઝાસ્ટર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ’ વિષય પર બે દિવસીય સેમિનારનું આયોજન થયું હતું. તા.4 ઓક્ટોબર, 2023ના રોજ NFSU કેમ્પસ ખાતે આ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. રાજીવ ગુપ્તા, IAS (નિવૃત્ત), ડાયરેક્ટર જનરલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિશેષ અતિથિ તરીકે શ્રી નરસિમ્હા એન કોમર, IPS, ADGP, ગુજરાત પોલીસ; શ્રી પવન દેસાઈ, CEO-મિટકેટ એડવાઇઝરી.; શ્રી જસબીર સિંહ સોલંકી, સીઈઓ-હોમલેન્ડ એન્ડ સાયબર સિક્યોરિટી, મહિન્દ્રા ડિફેન્સ; ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ, NFSU; પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે,
કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર; પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડિરેક્ટર, NFSU-દિલ્હી અને એર કોમોડોર કે.આર. ઠાકર, ડીન, પોલીસ સાયન્સ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, “આફ્રિકા રિસ્ક રિવ્યુ 2023″નામના વિશેષ અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
જેમાં, 54 આફ્રિકન દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પ્રકારના જોખમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ SPSSSના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મિટકેટ એડવાઈઝરીના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો છે.
ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડૉ. રાજીવ ગુપ્તા, IAS (નિવૃત્ત) ડાયરેક્ટર જનરલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપત્તિનું વ્યવસ્થાપન બહુ-ક્ષેત્રીય કાર્ય છે અને તેમાં પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે પોલીસની ભૂમિકા મહત્ત્વની છે.
આપત્તિ દરમિયાન, શોધ, રાહત-બચાવ પણ મહત્વપૂર્ણ છે, ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો અને પોલીસ સાથે મળીને કાટમાળ નીચે દટાયેલા જીવિત વ્યક્તિઓ કે મૃત શરીરો શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે આપત્તિનું વ્યવસ્થાપન એ સૌથી મહત્વપૂર્ણ છે.
‘બિપરજોય ચક્રવાત’ દરમિયાન ગુજરાતના માનનીય મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ કોઈ જાનહાનિ ન થાય તેની ખાતરી કરવામાં આવી અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી.
NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે આ સેમિનારને નવેમ્બર-2023 મહિનામાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના યજમાનપદે યોજાનારી 12મી “ઈન્ટરપા કોન્ફરન્સ”ની પૂર્વભૂમિકારૂપ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ “ઈન્ટરપા કોન્ફરન્સ”નો થીમ છે, ‘પોલિસિંગ એટ ટાઈમ્સ ઓફ ટેક્નોલોજિકલ એક્સિડન્ટ્સ એન્ડ નેચરલ ડિઝાસ્ટર’.
NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે જીવિત વ્યક્તિઓને તો ગૌરવ આપીએ છીએ, પણ મૃત્યુનો મલાજો પણ જળવાવો જોઈએ. વિશ્વમાં સૌપ્રથમવાર, NFSUએ ‘હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ’નો નવો કોન્સ્પેટ આપ્યો છે. સામાન્ય રીતે ફોરેન્સિક સાયન્સ ગુનાની તપાસ અને નિવારણ સાથે સંકળાયેલું છે, પરંતુ ફોરેન્સિકનો ઉપયોગ મનુષ્યના લાભના હેતુ માટે પણ થઈ શકે છે.
મૃતદેહોના વ્યવસ્થાપનમાં, ફોરેન્સિક કૌશલ્યનો ઉપયોગ કરીને મૃતદેહોની ઓળખ કરીને, અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને બચાવ કામગીરી અને માનવોને બચાવવામાં અને મૃતદેહોની ઓળખમાં ફોરેન્સિક સાયન્સની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચી જાય તો પણ, ફોરેન્સિક સાયકોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિને આઘાતમાંથી બહાર કાઢવા અને તેના પુનર્વસનનો પ્રયાસ કરવામાં આવે છે.
ડો. અક્ષત મહેતા, પ્રોફેસર, SPSSS-NFSUએ સૌનો આભાર માન્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્રી રાજુ ભાર્ગવ, IPS, પોલીસ કમિશનર-રાજકોટ; વિવિધ શાળાઓના ડીન, એસોસિયેટ ડીન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા સહભાગીઓ, અગ્રણીઓ અને NFSUના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.