Western Times News

Gujarati News

‘તારક મહેતા…’માં દયાભાભી તરીકે દિશા વાકાણી નહીં જ દેખાય

મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલનાં સૌથી લોકપ્રિય ચહેરાઓમાં કોઈ હોય તો એ છે ‘દયા ટપુ કે પાપા ગડા’ એટલે કે દિશા વાકાણીનો. આજે પણ લોકો આ ટીવી સીરિયલના જૂના એપિસોડના વીડિયો સોશિયલ મીડિયા પર જોઇને તેમના કેટલાક સીનની મજા લેતાં હોય છે.

૨૦૧૮માં દિશા વાકાણીએ મેટરનિટી લીવ સાથે શોમાંથી વિદાય લીધી હતી. ત્યાર પછી વારંવાર શોના મેકર્સ તેના પાછા આવવાના વાયદા કરતા રહ્યા હતા. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ વારંવાર એવું પણ કહ્યું હતું કે તેઓ દયાબેનને પાછા લાવવાના પુરતા પ્રયત્નો કરી રહ્યા છે.

હવે છેક તેમણે આખરે જાહેર કર્યું છે કે દયાના પાત્રમાં દિશા વાકાણી હવે જોવા મળશે નહીં. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ સ્વીકાર્યું કે આ પાત્ર શો માટે ઘણું મહત્વનું છે અને તેમને પાછા લાવવા ખૂબ જરૂરી હતા, જેમાં તેમના તરફથી ઘણો વિલંબ થયો છે.

અસિત મોદીએ કહ્યું, “દયાબેનને પાછા લાવવા જરૂરી છે કારણ કે અમે પણ એમને મિસ કરીએ છીએ. ઘણી વખત પરિસ્થિતિઓ એવી રીતે બદલાતી રહી કે અમુક ઘટનાઓ બની અને બધું જ પાછું ઠેલાતું ગયું. ઘણી વખત સ્ટોરી લાંબી ખેંચાઈ જતી.

ક્યારેક કોઈ મોટી ઇવેન્ટ આવી જતી. ૨૦૨૪માં ચૂંટણીઓ હતી, પછી આઈપીએલ અને પછી વર્લ્ડ કપની મેચ, પછી ચોમાસુ. કેટલાક કારણોથી અમારે મોડું થતું રહ્યું છે.”અસિત મોદીએ આગળ એ પણ નિશ્ચિત કરી દીધું છે કે, દિશા વાકાણી હવે શોમાં પાછા નહીં એ હાલ તેના બંને બાળકો સાથે વ્યસ્ત છે. આસિત મોદીએ કહ્યું, “હું હજુ પણ પ્રયત્નો કરી રહ્યો છું.મને લાગે છે કે દિશા હવે પાછી ન આવી શકે.

એને બે બાળકો છે. એ મારી બહેન જેવી છે. આજે પણ અમારે તેના પરિવાર સાથે ઘણા સારા સંબંધો છે. મારી બહેન દિશાએ મને રાખડી બાંધી છે. એનો ભાઈ અને પિતાજી પણ મારા પરિવાર જેવા છે. તમે ૧૭ વર્ષ સુધી એકસાથે કામ કરો, તો પછી એ તમારો એક વિસ્તૃત પરિવાર બની જાય છે.”અસિત મોદીએ આગળ કહ્યું, “તેના માટે હવે પાછા આવવું અઘરું છે.

મહિલાઓ માટે, લગ્ન પછી જીવન બદલાઈ જાય છે. કામ કરવું, બાળકોનું ધ્યાન રાખવું અને ઘર સંભાળવાનું તેમના માટે અઘરું બની જતું હોય છે. જો કે હું હજુ પણ આશાવાદી છું. મને હજુ ક્યારેક લાગે છે કે ભગવાન ચમત્કાર કરશે અને એ પાછી આવી જશે.

જો એ આવે તો સારી વાત છે. જો એ ન આવે તો મારે બીજા દયાબેની શોધ કરવી પડશે.” આસિત મોદીએ કહ્યું હતું કે તેઓ દયાના પાત્ર માટે ઓડિશન કરી રહ્યા છે અને તેઓ શોમાં દયા માટે જોરદાર સ્વાગતની તૈયારીઓ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.