ધર્મજ પંચાયતના કર્મચારીઓને કનડગત કરતા છુટા કરાયેલા કર્મચારીઓ
(પ્રતિનિધિ) પેટલાદ, ધર્મજ ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણાં સમયથી કોઈને કોઈ વિવાદ ચાલતો આવ્યો છે. ગત દિવસોમાં ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર આવતા સરપંચ અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
જ્યારે ઉપસરપંચ દ્વારા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ તેઓને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. હવે કર્મચારીઓને કનડગત થતી હોવાની બીજી ફરિયાદ સામે આવતા ધર્મજ પંચાયત ફરી વિવાદમા આવી છે. પંચાયતમાં કરાર આધારિત એક રોજમદારને છૂટા કરેલ હોવા છતાં તેઓ દ્વારા અન્ય ફરજ બજાવતા કર્મચારીઓ સાથે દાદાગીરી કરતા હોવાની ફરિયાદ વહિવટદારને કરતા મામલો ગરમાયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધર્મજ ગ્રામ પંચાયતમાં જૂન ૨૦૨૨માં રોજમદાર તરીકે રિકેન જનકભાઈ પટેલને ફરજ ઉપર રાખવામાં આવ્યા હતા. જેના અનુસંધાને રિકેન પટેલે પંચાયતને બાંહેધરી અને સંમતિપત્ર તા.૨ જૂન ૨૦૨૨ના રોજ લખી આપ્યું હતુ? જેમાં રિકેન પટેલે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ પંચાયત નક્કી કરે તે જગ્યા ઉપર રોજમદાર તરીકે કામ કરશે.
જાે તેઓનું કામ સંતોષકારક ના જણાય તો કોઈપણ પ્રકારની કારણદર્શક નોટીસ સિવાય પંચાયત છૂટા કરી શકશે. ઉપરાંત ૨૬ દિવસના ઉચ્ચક રૂ.૫૦૦૦/- નો તેઓએ સ્વિકાર પણ કર્યો હતો. પરંતુ તેઓએ ફરજ ઉપર કામ શરૂ કર્યાના ત્રણેક મહિનામાં જ પંચાયત દ્વારા કામગીરી સંતોષકારક નહીં જણાતા રિકેન પટેલને તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨થી છૂટા કર્યા હતા.
છતાં રિકેન પટેલ ફરજ ઉપરની જગ્યા ઉપર જઈ ગૌચર ખાતે અન્ય કર્મચારીઓને કનડગત અને ગેરવર્તણૂક કરતા હતા. જેથી અન્ય કર્મચારીઓને ફરજ ઉપર આવતા ડર લાગતો હતો. જેથી તેઓની વિરૂદ્ધ કાયદેસર ફરિયાદ દાખલ કરવા ગ્રામ પંચાયતના તે વખતના સરપંચ ભાવનાબેન પટેલ, તલાટી સહિત નવ સભ્યોએ પેટલાદ રૂરલ
પોલીસ મથકે એક લેખિતમાં અરજી તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આપી હતી. પરંતુ ત્યારબાદ ગત તા.૭ મે ૨૦૨૩ના રોજ રિકેન પટેલે ફરીથી કર્મચારીઓ સાથે દાદાગીરી કરી ગેરવર્તન કરતાં મામલો ગરમાયો છે. ધર્મજની ગૌચર ખાતે આવેલ સૂરજ બા પાર્ક ખાતે ફરજ બજાવતા દશેક પૈકીના વોટર રાઈડ ઉપર કામ કરતા કર્મચારી સાથે રિકેન પટેલને ઝઘડો થયો હતો.
વોટરપાર્કમા ટિકીટ લીધા સિવાય પ્રવેશ કરનાર રિકેન પટેલની આવી ગેરવર્તણૂક સંદર્ભે આ કર્મચારીઓએ પંચાયતના વહિવટદારને લેખિતમાં અરજી કરી તેઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગણી કરેલ છે. જેના અનુસંધાનમાં વહિવટદાર જી આર ગોહિલે જણાવ્યું હતું કે ગઈકાલે કર્મચારીઓ દ્વારા રિકેન પટેલ વિરૂદ્ધ લેખિત ફરિયાદ મળેલ છે. જે અંગેની જાણ પેટલાદ તાલુકા વિકાસ અધિકારી અને પેટલાદ રૂરલ પોલીસ મથકને કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરવામાં આવશે?.