નડિયાદમાં એલીમ્કો શરૂ થયાના માત્ર ચાર જ માસમાં ૭૫૦ કૃત્રિમ અંગોનું વિતરણ
ખેડા જિલ્લામાં અંદાજિત રૂ. ૧ કરોડની રકમના વિવિધ દિવ્યાંગતા માટેના સાધનોનું વિતરણ
(પ્રતિનિધિ) નડિયાદ, દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ અંગો આપતા કેન્દ્ર સરકારના ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમની નડિયાદ ખાતે શાખા શરૂ થયાને હજું તો માત્ર ચાર જ માસ થયા છે ત્યાં જ ૭૫૦ દિવ્યાંગોને અંદાજિત રૂ. એક કરોડના વિવિધ અંગો પ્રદાન કરવામાં આવ્યા છે. એલીમ્કો દ્વારા લાભાર્થીના અંગોનું માપ, લંબાઇ, ગોળાઇ લઇ બનાવવાની પ્રક્રીયા ધ્યાને લેવામાં આવે તો એક દિવસમાં ૬ જેટલા લાભાર્થીઓને કૃત્રિમ અંગો આપવાની સુંદર કામગીરી કરવામાં આવી છે.
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સ લખે છે કે “દેખીતી રીતે, મારી વિકલાંગતાને કારણે, મને સહાયની જરૂર છે. પરંતુ મેં હંમેશા મારી સ્થિતિની મર્યાદાઓને દૂર કરવાનો અને શક્ય તેટલું સંપૂર્ણ જીવન જીવવાનો પ્રયાસ કર્યો છે. મેં એન્ટાર્કટિકથી શૂન્ય ગુરુત્વાકર્ષણ સુધી વિશ્વનો પ્રવાસ કર્યો છે.”આમ, દિવ્યાંગો સમાજના અગત્યના માણસો છે. દિવ્યાંગો સમાજને બોજારૂપ નથી પણ જો તેમને યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે તો સમાજના તમામ આયામો પર સકારાત્મક કામગીરી કરી શકે છે.
ગરીબો, વંચિતો અને આર્થિક સામાજિક રીતે હાંસિયામાં રહેલા લોકોના ઉત્કર્ષ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના સફળ અમલીકરણ દ્વારા સશક્તિકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજનો માટે વરદાનરૂપ એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનોને નિશુલ્ક સાધન સહાય આપી સમાજમાં ગૌરવપૂર્ણ અને આત્મસન્માનથી જીવન જીવવા માટે સશક્ત બનાવવામાં આવે છે.
નડિયાદના મિશનરોડ પર રહેતા પ્રકાશ બાબુભાઈ પરમારનો વર્ષ ૨૦૧૦માં અકસ્માત થયો હતો અને તેમણે પોતાનો પગ ગુમાવવાની આફત આવી હતી. પ્રકાશભાઈને ભારત સરકારની એડીપ યોજના હેઠળ નિશુલ્ક પ્રોસ્થેટિક પગ લગાવી આપવામાં આવ્યો છે. પ્રકાશભાઈ આજે સામાન્ય વ્યક્તિની જેમ જ આરામથી ચાલી શકે છે અને પોતાના કામકાજ સહજતાથી કરી શકે છે.