Western Times News

Gujarati News

રાજ્યના રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા વધારાની ખાંડનું વિતરણ

દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ (સીંગતેલ) તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે એમ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ  ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૮ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ચાલુ માસ ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે.તેમજ રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

રાજ્યના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો” ની ( Priority House Hold – P.H.H. ) ૩.૩૨ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં અને ૩ કિલો ચોખા મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં અને ૧૫ કિલો ચોખા મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A. હેઠળ સમાવિષ્ટ તમામ ૭૪ લાખ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ.૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.

રાજ્યના બીપીએલ અને અંત્યોદય કુટુંબો મળી કુલ ૩૨ લાખ જેટલા કુટુંબો મળવાપાત્ર ખાંડના જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા. ખાંડનું અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫ ના રાહતદરે તથા  બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે.

રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના તમામ ૭૪ લાખ કુટુંબોને “અન્ન સુરક્ષા”ની સાથેસાથે પોષણયુક્ત પુરી પાડવા માટે  પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે. વધુમાં, રાજ્યમાં લોકલાગણીને ધ્યાને લઇને પ્રથમવાર તેલવાળી તુવેરદાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભાર્થીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ડબલ ફોર્ટીફાઇડ મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે.

આમ, રાજ્ય સરકાર N.F.S.A. હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી તમામ કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે ભારત સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરીને લોકો તહેવારો સારી રીતે રીતે ઉજવી શકે તે માટે સતત કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.