BAPS દ્વારા ભરૂચમાં 20,000 થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ
BAPS દ્વારા 1,000 અસરગ્રસ્ત પરિવારોને લગભગ 18 કિલો અનાજ અને અન્ય રસોઈની આવશ્યક ચીજવસ્તુઓની સાથે વસ્ત્રો અને રાશન કિટ પણ આપવામાં આવી
અસરગ્રસ્ત પશુધન માટે સૂકો અને લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો.
ભરૂચ, તાજેતરમાં ભારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાના અનેક ગામોમાં નર્મદા નદીનું પાણી ફરી વળ્યું હતું. ઘણા ઘરોમાં પાણીનું સ્તર 10 ફૂટ સુધી પણ પહોંચ્યું હતું. આ પરિસ્થિતિને કારણે જ્યારે માનવ અને પશુ જીવન બંને ખોરવાઈ ગયા હતા,
ત્યારે BAPS સ્વામિનારાયણ મંદિર, ભરૂચના સંતો અને સ્વયંસેવકો દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ કરવા વ્યાપક રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તેઓએ 20,000 થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું અને 10,000 થી વધુ લોકોને ગરમાગરમ ભોજન પૂરું પાડ્યું હતું.
લગભગ 1,000 અસરગ્રસ્ત પરિવારોને લગભગ 18 કિલો અનાજ અને અન્ય રસોઈની આવશ્યક ચીજવસ્તુઓની સાથે વસ્ત્રો અને રાશન કિટ પણ આપવામાં આવી હતી. વધુમાં, અસરગ્રસ્ત પશુધન માટે સૂકો અને લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો. સંતો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવીને અસરગ્રસ્તો સુધી પહોંચીને વિવિધ રીતે સહાય પૂરી પાડી હતી.