ગણિત વિષયમાં નીચુ પરિણામ જણાતા તેમાં સુધારો કરવા માટે જિલ્લા કલેકટરે નવી પહેલ કરી

ગણિતને રસપ્રદ બનાવવા વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના હસ્તે ‘‘મોજીલુ મેથ્સ’’ પ્રોજેક્ટનો શુભારંભ
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ દરમિયાન ગણિત વિષયમાં નીચુ પરિણામ જણાતા તેમાં સુધારો કરવા માટે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ નવી પહેલ કરી જિલ્લા શિક્ષણ તંત્ર અને મા ફાઉન્ડેશનના સહયોગથી મેથ્સ, મસ્તી, મેજિકની ટેગલાઈન સાથે ‘‘મોજીલુ મેથ્સ’’ પ્રોજેક્ટનો શુક્રવારે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં શુભારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મોજીલુ મેથ્સ પ્રોજેકટ લોન્ચિંગ કરવા પહેલા ગુણોત્સવમાં જે શાળાનું ગણિતમાં પરિણામ નીચું આવ્યુ હતું અને જે શાળાનું પરિણામ ઉત્તમ આવ્યુ હતું તેવી એક તાલુકામાંથી છ સ્કૂલ નબળા પરિણામ વાળી અને છ સ્કૂલ ઉત્તમ પરિણામ વાળી પસંદ કરવામાં આવી હતી.
આમ, એક તાલુકામાંથી કુલ ૧૨ અને જિલ્લાના છ તાલુકામાંથી કુલ ૭૨ સ્કૂલ પસંદ કરી તેઓના ગણિત વિષયના શિક્ષકોને આ પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ શિક્ષકોને સંબોધીને જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું કે, ધો. ૬, ૭ અને ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રૂચિ કેળવવા અને તેઓનો પાયો મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટ મા ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવા જઈ રહ્યા છે.
વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ, ગુંદલાવ, ઉમરગામ, દમણ અને સેલવાસ સહિત એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આપણા જિલ્લામાં હોવાથી ઘર આંગણે નોકરીની અનેક તકો હોવા છતાં નોકરી મળતી નથી. ગણિત અને વિજ્ઞાન વિષયમાં ભવિષ્ય ઉજ્જવળ બને છે પરંતુ બાળકોને ખબર જ હોતી નથી, જેથી તેઓને આ અંગે જાગૃત કરવા પડશે.
વધુમાં કલેકટરશ્રીએ શિક્ષકોને અનુરોધ કરતા જણાવ્યું કે, મોજીલુ મેથ્સ પ્રોજેકટને નોકરીના ભાગરૂપે નહીં પરંતુ સેવાના ભાવ તરીકે, આપણા પોતાના પ્રોજેક્ટ તરીકે કામ કરીશું તો મનને પણ સંતોષ મળશે અને રિઝલ્ટ પણ સારૂ મળશે. બાળકોમાં વિશ્વાસ ઉભો કરવો પડશે કે, ગણિત ભારે નથી પણ સહેલુ છે અને મોજ કરાવે તેવુ છે.
ચાણક્યએ પણ કહ્યું છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આપ સૌ શિક્ષકો દિલથી આ પ્રોજેક્ટ પર કામ કરશો તો સમાજની આગામી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીશું. મેથ્સ એ લોજીકલ એનાલિશિસ કરે છે. ગણિત એ મગજની કસરત છે. આઉટ ઓફ બોક્ષ થીંકીગથી કેપેસીટી વધે છે.
લાઈફ સ્કીલ તરીકે પણ મેથ્સ ઉપયોગી હોવાનું જણાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૌ શિક્ષકોને આ પ્રોજેક્ટમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અપીલ કરી હતી. મા ફાઉન્ડેશનના સીઈઓ અમિત મહેતાએ આ લોન્ચિંગ પ્રસંગે જણાવ્યુ કે, વલસાડ જિલ્લાના ગામડાઓમાં મા ફાઉન્ડેશન છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે.
ગણિત બસ, વિજ્ઞાન મેળા અને લાઈફ સ્કીલ એજ્યુકેશન દ્વારા રચનાત્મક પ્રવૃતિ સાથે બાળકોને શિક્ષણ આપી ટયુશન વગર ન ચાલે તે ધારણા ખોટી પાડી છે. ઘણી બધી સ્કૂલોમાં ‘‘ચોક એન્ડ ટોક’’ મેથડથી મેથ્સ શીખવવામાં આવે છે, આ પધ્ધતિ બદલવી પડશે. ગણિત રમતા રમતા વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ શીખવી શકાય છે. ઘણી વાર વિદ્યાર્થીઓ ભણી-ગણીને મોટા હોદા પણ બેસી જાય છે
પરંતુ તેઓનો ગણિતનો પાયો કાચો રહી ગયાના અનેક ઉદાહરણ જોયા છે. માસ્ટર્સ ટ્રેનરો દ્વારા ગણિતના શિક્ષકોને બે બેચમાં તાલીમ આપીશું. અમારો ઉદેશ્ય શિક્ષણ ક્ષેત્રે વલસાડ જિલ્લો ‘‘મોડલ ડિસ્ટ્રીક્ટ’’ બને તે માટેનો છે. એઆઈ આવે તો પણ સમાજમાં શિક્ષકોનું મહત્વ ઘટવાનું નથી. બાળકને ભણવાની મજા આવે તેવુ ગણિતને મોજીલુ બનાવવું છે. જેનાથી પાયો મજબૂત થશે.
જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી એલ.ટંડેલે આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓના મનમાંથી ગણિતનો ડર કાઢી કેવી રીતે રસપ્રદ ભણાવી શકાય તે માટે આગામી નવા સત્રથી સેમિનારો અને મેળાના આયોજન અંગે જણાવ્યું હતું. વધુમાં તેમણે વલસાડ જિલ્લામાં શિક્ષણનું સ્તર વધે તે માટે જિલ્લા કલેકટરશ્રી દવે દ્વારા કરાયેલા વિવિધ પ્રયાસોનો ઉલ્લેખ કરી નિવૃત્તિના દિવસે પણ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ અર્પણ કરવા બદલ જિલ્લા કલેકટરશ્રીનો આભાર માન્યો હતો.