કરજણ ખાતે ૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ
ડ્રગ્સનું દૂષણ અને વ્યાજનું વિષચક્ર નેસ્તનાબૂદ કરવા માટે સરકાર મક્કમ છેઃ હર્ષ સંઘવી
(માહિત્) વડોદરા, કરજણની શાહ એન. બી. સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ૭૪મા પ્રજાસત્તાક દિવસની વડોદરાની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી અને શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી. ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. આ દરમિયાન શ્રી સંઘવીએ હાજર લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. પરેડની માર્ચ પાસ્ટ બાદ ૧૦ જેટલા વિવિધ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ગુજરાતના વિકાસની ઝાંખી કરાવાઈ હતી.
હાજર જનમેદનીને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણો દેશ વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઊભરી આવ્યો છે. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં તેઓ નતમસ્તક થવાની સાથે બંધારણનાં ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરને તેમણે હ્રદયપૂર્વક વંદન કર્યા હતા.
સંઘવીએ આ પ્રસંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વાળી ગુજરાત સરકાર અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર ગરીબો અને મધ્યમવર્ગની સરકાર છે. છેલ્લા ૮ વર્ષથી દેશના સાચા, સામાન્ય અને યોગ્ય નાગરિકોને સન્માન મળે છે. પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ સન્માન માટે હવે ભલામણ નથી કરવી પડતી, તેવું જણાવી તેમણે ગુજરાતના ૭ લોકોને આવું ઉચ્ચ સન્માન મળવા બદલ કરજણની ધરતી પરથી અભિનંદન પાઠવ્યા હતા.
જી-૨૦માં યજમાની સાથે ભારત નેતૃત્વ કરી રહ્યું છે અને ગુજરાતનું સૌભાગ્ય છે કે આ સમિટની ૧૫થી વધારે બેઠકો ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, તેવું જણાવી તેમણે સરકારશ્રીનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. જનભાગીદારી સાથે ગુજરાત અને ભારત વિકાસના નવા સોપનો સર કરી રહ્યા છે. કોમી રમખાણોની સાથે ડ્રગ્સનું દૂષણ અને વ્યાજખોરીનું વિષચક્ર પણ હવે ગુજરાતમાં ભૂતકાળ બનીને રહી જશે, તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
છેલ્લા આઠ મહિનામાં ગુજરાત પોલીસે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ કોલકત્તા પોર્ટ, ભારત-પાકિસ્તાન બોર્ડર, પંજાબ સહિત દેશના વિવિધ ભાગોમાંથી રૂ. ૯,૦૦૬ કરોડથી વધારેનું ડ્રગ્સ ઝડપી પાડી ડ્રગ્સના કાળા કારોબારનો નાશ કર્યો છે. શ્રી સંઘવીએ માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશમાંથી ડ્રગ્સના દૂષણને ડામવાનું બીડું ઉપાડનાર ગુજરાત પોલીસને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. તો સુરક્ષિત ગુજરાતની નેમ સાથે ચાર હજારથી વધારે પીડિત પરિવારોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારી તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી આર્થિક સહાય પૂરી પાડી હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને આભાર-અભિનંદન ભાવ વ્યક્ત કર્યો હતો.
આ ઉજવણી નિમિત્તે દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા અને ગુજરાતની ભાતીગળ સહિત વિવિધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર કર્મનિષ્ઠોનું શ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશિસ્ત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી ‘ગ્રીન ગુજરાત’નો સંદેશ આપ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ દરમિયાન પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના સિનિયર કેમેરામેન શ્રી જે. જી. સોજીત્રાને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટિ તથા ઇલેક્ટ્રોનિક મીડિયા મોનટરિંગ સમિતિની કામગીરી નોંધપાત્ર રીતે કરી હતી. શ્રી સોજીત્રા સરકારની પ્રજા હિતકારી યોજનાના પ્રચાર અને પ્રસારમાં ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠા બજાવી રહ્યા છે, જે માહિતી ખાતાના અન્ય કર્મયોગીઓ માટે ધ્રુવતારક સમાન હોય આ રાષ્ટ્રીય પર્વના દિવસે શ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો.
૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કરજણના ધારાસભ્યશ્રી અક્ષય પટેલ, કરજણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર પટેલ, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, કરજણના પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, કરજણના આબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ સહિત આસપાસના પ્રાંતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.