ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
25 જાન્યુઆરી-રાષ્ટ્રીય મતદાતા દિવસ : અમદાવાદ જિલ્લો
યુવા વર્ગે દર પાંચ વર્ષે આવતી મતદાનની તકનો લાભ લેવો જોઈએ અને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ભાગીદાર બનવું જોઈએ: અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા મતદાર નોંધણી અધિકારીશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, સુપરવાઇઝરશ્રી, બુથ લેવલ ઓફિસરશ્રીનું સન્માન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય મતદાતા દિવસ અન્વયે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. 25 જાન્યુઆરી, 1950ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને અનુલક્ષીને દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેએ ઉદ્દબોધન કરતાં કહ્યું કે, દરેક ચૂંટણી પ્રક્રિયામાં દેશની દિશા નક્કી થાય છે ત્યારે યુવા વર્ગે દર પાંચ વર્ષે આવતી મતદાનની તકનો લાભ લેવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047 પહેલાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે હાલમાં ચાલી રહેલા આ અમૃતકાળમાં આપણે સૌએ આપણી જવાબદારી નિભાવવી જોઈએ. દેશના આવનારા સમયને દિશા આપવા માટે અને સુંદર ભવિષ્યને સાકાર કરવા માટે આપણે સૌએ મત આપવા સંકલ્પબદ્વ થવું જોઈએ.
ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ શ્રી પીયૂષ પટેલે આ પ્રસંગે કહ્યું કે, દેશના યુવા મતદારોએ રાષ્ટ્રના નિર્માણ માટે તેમના કીમતી સમયનો ઉપયોગ કરીને વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે ભાગીદાર બનવું જોઈએ. ગુજરાત યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓને મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ ઉપરોક્ત કાર્યક્રમમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવકુમાર દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આપવામાં આવેલા સંદેશાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 18મી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા માટે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ ભારતના યુવા મતદારોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરતો સંદેશો આપ્યો હતો.
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા મતદાર નોંધણી અધિકારીશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, સુપરવાઇઝરશ્રી તથા બુથ લેવલના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નેહા ગુપ્તા અને શ્રી યોગેશ ઠક્કર, નાયબ કલેકટર શ્રી ઉમંગ પટેલ અને શ્રી મયંક પટેલ, અન્ય અધિકારીગણ તથા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.