માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે દીવામાં તેલ ભરીને પ્રગટાવવામાં આવે છે
દિવાળીનો તહેવાર માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયનું પ્રતિક છે.
દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે.
દિવાળીના દિવસે જ્યોતિ સ્વરૂપ માતા મહાલક્ષ્મી-મહાસરસ્વતી અને મહાકાલિકાની ઉપાસના કરવામાં આવે છે.વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે.દીવામાં જ્યોતિર્મય પરબ્રહ્મ પરમાત્માનું તથા ત્રણ મહાશક્તિઓનું દર્શન કરવાનું છે એટલે તો કોઇ નવીન શુભ કાર્યની શરૂઆત દીપ પ્રજ્વલ્લિત કરીને કરવામાં આવે છે.
સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે.દિવાળીના દિવસે આપણે સરવૈયુ કાઢવું જોઇએ.રાગ-દ્વેષ, વેર-ઝેર, ઇર્ષ્યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ. દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ,પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે.ધનતેરસ કાળીચૌદશ દિવાળી નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે.લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય.આપણી સંપત્તિ પવિત્ર બને.જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આંગણું-પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.દિવાળીના દિવસે માતા લક્ષ્મી તરફ પૂજ્ય દ્રષ્ટિ કેળવવાની છે.લક્ષ્મી ચંચળ નથી ૫ણ લક્ષ્મીવાન મનુષ્યની મનોવૃત્તિ ચંચળ થાય છે.
વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન સમજનારનું ૫તન થાય છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્મી, સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત, ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્મી.દિવાળીએ ચૌદ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા)
દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ-અનંત અને અવિનાશી છે તે આત્મા. જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે. જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા-પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે.આનાથી આનંદ-આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.દિવાળીના દિવસે બહાર દીવા તો સળગાવવાના છે ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટાવવો જોઇએ. દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી.દિવો એ જ્ઞાનનું પ્રતિક છે.મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.
દિવાળીના તહેવાર સાથે એક કરતાં વધુ વિજ્યની કથાઓ જોડાયેલી છે.મહાભારત કથાનુસાર કૌરવો દ્વારા જુગારમાં હાર્યા પછી પાંડવોએ બાર વર્ષનો વનવાસ પુરો કરી પરત આવતાં તેની ખુશીમાં દિપાવલી મનાવવામાં આવી હતી.રામાયણ અનુસાર દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ,લક્ષ્મણ અને માતા જાનકી અયોધ્યા પરત આવતાં અયોધ્યાના તમામ નાગરીકોએ સમગ્ર રાજ્યને દિપમાળાઓથી પ્રકાશિત કર્યું હતું.
ભારતના મહાન રાજા અને ભતૃહરીના લઘુબંધુ રાજા વિક્રમાદિત્યે હૂણ-શક રાજાઓ ઉપર વિજ્ય મેળવી આ દિવસે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.આજના દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ હિંદુત્વના અસ્તિત્વને ટકાવી રાખવા આર્યસમાજની સ્થાપના કરી હતી.આજથી આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીર સ્વામીએ આજના દિવસે મોક્ષપ્રાપ્ત કર્યો હતો તેમની યાદમાં શ્રદ્ધાળુ ભક્તોએ અનેક દિવા પ્રગટાવી ઉત્સવ મનાવ્યો હતો.
શિખધર્મના ત્રીજા ગુરૂ અમરદાસજીએ આ દિવસને લાલપત્ર દિવસના રૂપમાં મનાવ્યો હતો જેમાં તમામ શ્રદ્ધાળુ ભક્તો ગુરૂના આર્શિવાદ લેવા પહોંચ્યા હતા.સને ૧૫૭૭માં અમૃતસરમાં હરિમંદિર સાહિબનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આજના દિવસે શિખગુરૂ હરગોવિંદસિંહજીએ ગ્વાલિયરના કિલ્લામાં મુગલ બાદશાહ જહાંગીરે નજરબંધ કરેલા બાવન રાજાઓને મુક્ત કર્યા હતા તેથી આ દિવસને શિખ સમાજ બંદિછોડ દિવસના રૂપમાં મનાવે છે.
નૂતન વર્ષ(બેસતું વર્ષ)..બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે, વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.આજે માનવે માનવને મારવાની શોધ કરી છે, નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે.
માણસ મંગળ સુધી પહોંચ્યો છે પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે.તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે.મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.
બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા-વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.
ભાઇબીજને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે.બલીરાજા દાનવીર હતા.આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે.આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે. ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્રષ્ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે. બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું કમોતે મોત થતું નથી.
ભગવાન વામને સંદેશ આપ્યો કે કનક અને કાંતાના લીધે માણસો અસુર થાય છે.સુંદર સ્ત્રી જોતાં ધર્મના બંધનો તોડી હાથ પકડવા એ માનવસ્વભાવ છે.ભગવાને કનક અને કાંતામાં ભ્રમ રાખ્યો છે.સંપત્તિ ભોગવવાની નથી તે ભોગદાસી નથી પણ આપણી બા છે.એ બા ના ખોળામાં માથું મુકી સૂઇ જાવ તે બા નું પૂજન કરો.આ પૂજન એટલે લક્ષ્મીપૂજન અને બીજો એક દિવસ રાખી દીધો સ્ત્રીજાતને બહેન સમજવી- એનું સતત ભાન રહે તે માટેનો દિવસ એટલે ભાઇબીજ.
લોકોએ કહ્યું કે બલિ બહુ સારો હતો તેનામાં ઘણી સારી વાતો હતી અને સારી વાતો લેવી જ જોઇએ એટલે તેના નામે પણ એક દિવસ રાખ્યો તે બલિ પ્રતિપ્રદા એટલે ભાઇબીજ.આ ત્રણ દિવસ એટલે દિપોત્સવ.સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયા.. નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને,સહુ શાંતિમય જીવન જીવે એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ. નૂતન વર્ષના નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી, નવીવાડી,તા.શહેરા,પંચમહાલ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)