દિવાળીના તહેવાર ટાણે જ તસ્કરોએ તરખાટ મચાવ્યો
સ્ટેશન રોડ ઉપર બે દુકાનોને નિશાન બનાવી ૭૦ હજારથી વધુના મત્તાની ચોરી
ભરૂચ, ભરૂચમાં દિવાળીના તહેવાર ટાણે જ સ્ટેશન રોડ પર આવેલી બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરોએ દુકાનો માંથી હજારો રૂપિયાના માલમત્તાનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા.જોકે બનાવની જાણ થતાં જ પોલીસ દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથધરી હતી.
એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી કરવા લોકો વ્યસ્ત બન્યા છે તો બીજી તરફ તસ્કરો ચોરીને અંજામ આપવા સક્રિય બન્યા છે.ત્યારે ભરૂચમાં દિવાળીના તહેવારો સમયે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે.ભરૂચના સ્ટેશન રોડ પર સિટી સેન્ટરની સામે આવેલા બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા.
તસ્કરોએ એસ.કે મોબાઈલ અને ઈન્ટેજાર નામની બેકરી મળી બે દુકાનોને નિશાન બનાવી હતી.બંને દુકાનો માંથી તસ્કરો રૂપિયા ૭૫હજારથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.દુકાનના ઉપરના ભાગે રહેલા પતરું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.મોબાઈલ શોપ માંથી એસેસરીઝ તેમજ મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
તો બેકરી માંથી રોકડ રકમની ચોરી કરી હતી.ચોરી અંગેની જાણ થતાની સાથે જ શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથધરી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે દિવાળીના તહેવારને લઈને બજારમાં ગ્રાહકોની ભીડ જામી રહી છે તો બીજી તરફ લોકો પણ તહેવારને લઈને પરિવાર સાથે બહાર ગામ જવાની તૈયારીમાં લાગ્યા છે.તેવા સમયમાં તસ્કરો મકાનો અને દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપશે ત્યારે મકાન અને દુકાન માલિકોએ પોલીસને જાણ કરવાની જરૂરી ઉભી થવા સાથે પોલીસે પણ પેટ્રોલિંગ વધારવાની જરૂર ઉભી થઈ છે.