દિવાળી વેકેશન ભારે ન પડે : રોજનાં ૩પ રખડતાં ઢોર પકડાયાં
ચાલુ વર્ષે ૩૬૪ પશુમાલિકો સામે પોલીસ ફરિયાદ કરાઈ
(એજન્સી) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે. રખડતાં ઢોરની રંજાડથી નાગરિકો ત્રાસી ઉઠયા છે. ઉપરાંત આ મામલે હાઈકોર્ટ પણ વધુ ગંભીર બની છે. હાઈકોર્ટ દ્વારા અવારનવાર રખડતાં ઢોર પકડવાની ઝુંબેશને અસરકારક બનાવવાની મ્યુનિ. તંત્રને સૂચના અપાય છે.
તેમ છતાં ખુદ તંત્રના રખડતાં ઢોર પકડવાના સત્તાવાર આંકડા તપાસતા કેટલી હદે કંગાળ પુરવાર થયું છે તે બાબત દર્શાવે છે. કેમ કે ગત ઓકટોબર મહિનામાં સત્તાવાળાએ રોજના માંડ ૩પ ઢોરને ઝબ્બે કરીને ઢોરવાડાના હવાલે કર્યાં હતાં, જેના કારણે તંત્રે પણ વિદ્યાર્થીઓની જેમ દિવાળી વેકેશન માણ્યું તેમ રમૂજમાં ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ બેફામ બન્યો છે. હાઈકોર્ટ આકરા પાણીએ હોવા છતાં આજે પણ રોડની વચોવચ કે સર્કલ કે પછી ડિવાઈડરની અડોઅડ રખડતાં ઢોર જાેવા મળે છે. આના કારણે દિવાળીના સપરમાં દિવસોમાં પણ અકસ્માત થઈને નિર્દોષ લોકોના જીવ જાેખમમાં મુકાઈ રહ્યા છે.
ગત ર૦ ઓકટોબરે નાના ચિલોડામાં રહેતા પ૯ વર્ષીય વૃદ્ધને રખડતી ગાયે અડફેટમાં લીધા હતા. ભગવાનદાસ કડિયા નામના આ વૃદ્ધ ઘરેથી ટુ-વ્હીલરમાં બેસીને નિકોલ જઈ રહ્યા હતા તે વખતે હરિદર્શન ચાર રસ્તાથી ડી-માર્ટ જવાના રોડ પર અચાનક ગાય આવી જતાં તેઓ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને માથામાં, હાથ-પગ અને ખભામાં ગંભીર ઈજા થઈ હતી.
આ અકસ્માતમાં તેઓ બેભાન થઈ જતાં ૧૦૮માં તત્કાળ ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે દાખલ કરાયા હતા. ઘટના સ્થળ પાસેની એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના કૂટેજના આધારે ભગવાનદાસ કડિયાના પુત્ર અલ્પેશ કડિયાએ પશુમાલિક અને મ્યુનિ. અધિકારી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે.
આમાં આશ્ચર્યની બાબત એ છે કે આ ઘટનાના થોડા દિવસ પહેલાં જ હાઈકોર્ટે દિવાળીના દિવસોમાં એક પણ નાગરિકને રખડતાં ઢોરથી ઈજા ન થવી જાેઈએ કે તેમનું મૃત્યુ ન થવું જાેઈએ તેવી કડક શબ્દોમાં તાકીદ મ્યુનિ. તંત્રને કરી હતી. તેમ છતાં આ વૃદ્ધને રખડતી ગાયે અડફેટે ચડાવતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું, જે ખરેખર મ્યુનિ. તંત્રની ઘોર બેદરકારી જ છે.
એરપોર્ટ રોડ પર પણ રખડતાં ઢોરની અવારનવાર ફરિયાદ ઉઠતા અગાઉના કમિશ્નર લોચન સહેરાએ એરપોર્ડ રોડ પરથી રખડતાં ઢોર દુર કરો તેવો કડક આદેશ સંબંધિત અધિકારીઓને આપવો પડ્યો હતો. એરપોર્ટ રોડ જેવા વીવીઆઈપી રોડ પર જાે રખડતા ઢોર જાેવા મળતાં હોય અને તેની ફરિયાદ છેક કમિશ્નર સુધી પહોંચે તો તે કેટલી ગંભીર બાબત છે તેનો સ્પષ્ટ રીતે ચિતાર મળે છે. જાેકે સ્થિતિ બદલાઈ નથી.
નિકોલના મામલે પશુપાલક અને મ્યુનિ. અધિકારી સામે પહેલી વખત પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, તેની પહેલા ભાવિન પટેલ નામના આશાસ્પદ યુવકનું રખડતી ગાયની અડફેટે ચડવાથી કરુણ મોત થતાં પશુમાલિક અને મ્યુનિ. અધિકારી સામે પોલીસના ચોપડે કેસ નોંધાયો જ છે. ગત ર૯ સપ્ટેમ્બરે નરોડાના ભાવિન પટેલના મૃત્યુના મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધની ફરિયાદ થઈ છે.
શહેરમાં રખડતાં ઢોરને પકડવામાં તંત્ર જાે નબળું પુરવાર થઈ રહ્યું છે તો તેમાં મુખ્યત્વે હપ્તાબાજી જવાબદાર છે. કેટલાક ભ્રષ્ટ સ્ટાફ દ્વારા જે તે વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ઢોર પાર્ટી નીકળે તે અંગે જે તે પશુમાલિકોને જાણ કરી દેતા હોઈ ઢોર પાર્ટી સ્થળ પર પહોંચે ત્યારે ઢોર રોડ પરથી સગેવગે કરી દેવાય છે.
જાેકેતંત્રનો પશુમાલિકોની બાઈકર્સ ગેંગ પર પણ ઢોરને જે તે સ્થળેથી ઢોરપાર્ટી પહોંચે તે પહેલાં અદૃશ્ય કરી દેવાનો આક્ષેપ છે. અમુક માથાભારે પશુમાલિકો ઢોરપાર્ટી પર હિચકારો હુમલો કરતા પણ અચકાતા નથી. નારણપુરા અંડરબ્રિજ પાસેથી રખડતા ઢોર પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પુરવા લઈ જતી ઢોરપાર્ટી પર થોડા દિવસ પહેલાં જ બાઈક પર આવેલા પશુમાલિકોએ હુમલો કરવાના ઈરાદે વાહનને રિવરફ્રન્ટ પાસે રોક્યું હતું. ત્યારબાદ ઢોર છોડાવીને આ લોકો ફરાર થઈ ગયા હતા.
આ મામલે રિવરફ્રન્ટ પોલીસે સાત અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ચાલુ વર્ષમાં તંત્ર દ્વારા ઢોરપાર્ટી પર એક અથવા બીજી રીતે હુમલા કરીને ઢોર છોડાવવા સહિતના મામલે ૩૬૪ પશુમાલિકો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે તેમ છતાં સાત ઝોનમાં રાઉન્ડ ધ કલોક કામગીરી માટે ર૧ ટીમ બનાવાઈ હોવા છતાં ગત ઓકટોબરમાં શહેરમાંથી માત્ર ૧૦૯૯ જેટલાં રખડતા ઢોર પકડાય તો તંત્રની આ કામગીરી લેશમાત્ર પ્રશંસનીય બનતી નથી.