સંબંધ પરાણે બંધાયો હોવાનું ડીએનએ રિપોર્ટથી સાબિત ના થાયઃ હાઈકોર્ટ

નવી દિલ્હી, ડીએનએ રિપોર્ટથી માત્ર પિતૃત્વ પુરવાર થાય છે, સંબંધ બાધવા માટેની સહમતિનો અભાવ નહીં તેવું નિરીક્ષણ કરતાં દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના આરોપમાં ૧૦ વર્ષની જેલની સજા પામેલા શખ્સને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અમિત મહાજને જણાવ્યું હતું કે, ડીએનએ રિપોર્ટથી ભલે એ પુરવાર થયું હોય કે, મહિલાની કોખે જન્મેલું બાળક આરોપીનું છે, પરંતુ જ્યાં સુધી સંબંધ સહમતિથી બંધાયો હોવાનું પુરવાર ના થાય તો તેવા સંજોગોમાં બળાત્કાર થયો હોવાનું સાબિત કરવા માટે ગર્ભાવસ્થા એ નક્કર પુરાવો ના ગણાય.
કેસની વિગતો અનુસાર, એક મહિલા દ્વારા તેની પડોશમાં રહેતાં શખ્સ પર લુડો રમવા પોતાના ઘરે બોલાવી વારંવાર બળાત્કાર કરવાનો આરોપ મુકાયો હતો. તેની ફરિયાદને પગલે જાન્યુઆરી, ૨૦૧૮માં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, અને ડિસેમ્બર, ૨૦૨૨માં ટ્રાયલ કોર્ટે તેને દોષિત જાહેર કર્યાે હતો.
જોકે મહિલા સાથેના તેના સંબંધો સહમતિથી બંધાયા હોવાના આધારે તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર્યાે હતો. આ કેસની સાથે સંકળાયેલા સંજોગોએ ફરિયાદીના કેસને અત્યંત અસંભવ બનાવી દીધો છે.
એટલું જ નહીં જજે આ કેસમાં સામાજિક દબાણને પગલે મોડેથી એફઆઈઆર કરાઈ હોવાની શક્યતા પણ નકારી નહોતી. જજે જણાવ્યું હતું કે, એવી શક્યતા નકારી ના શકાય કે, સામાજિક બદનામી ડર અને દબાણના કારણે બંને જણની સહમતિથી બંધાયેલા સંબંધો પર ઢાંકપીછોડો કરવા માટે પાછળથી આરોપો મુકાયા હોય. શંકાનો લાભ અરજદારને મળવો જોઈએ.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે કાયદો મૌન રહેવા માત્રને સહમતિ નથી ધારી લેતો, તેવી જ રીતે શંકાથી પરના હોય તેવા પુરાવાના અભાવે કોઈને આરોપી નથી ઠેરવતો. આ કેસમાં હજી ઘણી શંકાઓનું સમાધાન બાકી છે.
મહિલા પણ વારંવાર પોતાના નિવેદનો બદલ્યાં કરે છે અને બળાત્કાર થયો છે તે પુરવાર કરવા માટે મેડિકલ અને ફોરેન્સિક પુરવાઓનો પણ અભાવ છે તેમ કોર્ટે નોંધ્યું હતું.SS1MS