ધર્મ કરો…. નવા કર્મ ન બાંધો
જે માનવી ધર્મ ધ્યાનમાં રચ્યો પચ્યો હશે તેણે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ કે ‘હે પ્રભુ મારાથી હવે કોઈ પણ નવા કર્મો ન થાય તેવી બુદ્ધિ આપ તથા સત્કર્મો કરવાની શક્તિ આપ અને જે મારાથી જાણતા કે અજાણતા કુકર્મો થઈ ગયા હોય તે બદલ ક્ષમા માગું છું’.
ધર્મ ધ્યાન કરતા જમા પાસામાં વધારો થાય છે તથા કુકર્મો કરતા ઉધાર પાસામાં વધારો થાય છે.પરંતુ માનવીએ સમજવું જોઇએ કે આ ધંધાકિય ચોપડો નથી કે જેમાં જમા-ઉધારનો તફાવત કાઢીને આખરે જે બચે તે ગણાય. ભગવાનનાં લખાયેલા લેખમાં તો સત્કર્મો કરવાથી જમા પાસામાં પુણ્ય બંધાય પરંતુ સાથે સાથે કુકર્મ કરવાથી ઉધાર પાસામાં પાપ પણ બંધાય જ તથા તે પાપ ભોગવ્યા વગર છૂટકો જ નથી થવાનો.
‘પાપ તથા પુણ્યના કદાપિ સરવાળા બાદબાકી થતાં નથી’ ધર્મ કરવા પ્રભુસેવા, પૂજા તથા તપશ્ર્ચર્યા તો કરવી જ પડે છે પણ તેટલું પૂરતું નથી પરંતુ સાથે સાથે માનવતા પણ એટલી જ મહત્વની ગણાય છે જેનું રૂપાંતર થતા પુણ્યનું પલ્લું ભારે થાય છે. સત્સંગ, ગુરુની સેવા તથા મહારાજ સાહેબની વૈયાવચ્ચ, ધાર્મિક કથાઓ કે વ્યાખ્યાન સાંભળવા કે ધાર્મિક લેખો વાંચવાથી મન હળવું બને છે તથા સત્કર્મ કરવાની પ્રેરણા પણ મળે છે.
માનવને આ ભવમાં પાંચ ઈન્દ્રિયો મળતા તે ધર્મ બહુ જ સમજીને, વિચારીને તથા સરળતાથી કરી શકે છે તથા આ માનવ જન્મ ભવમાં જ કર્મો ખપાવી શકાય છે. પૂર્વ કે આ ભવના કર્મો જો ખપી જાય તો આવતા ભવમાં તે ખપાવવા ન પડે. આ કળિયુગનાં જમાનામાં અમુક લોકો ધર્મનાં નામે કેટકેટલાય કર્મ બાંધતા હોય છે તથા ધર્મના નામે ફંડફાળા ઉઘરાવીને કેટલા પૈસા ઘરભેગા કરી જતા હોય છે તો તેઓ કયા ભવમાં છૂટશે?
જુદી જુદી નાત-જાતમાં ધર્મમાં રીત-રિવાજ, વિધિઓ તથા તર્પશ્ર્યામાં ફરક પડતો હોય છે પરંતુ તેના ફળરૂપી પુણ્યમાં ફરક પડતો નથી પરંતુ કર્મો તો પોતે કરેલ હોવાથી તેનું પાપ રૂપી ફળ ભોગવવામાં પણ ફરક પડતો નથી. પોતાનું સ્વાસ્થ્ય બરાબર ન હોવાથી તથા સંજોગાવશ તપશ્ર્ચર્યા કે વિધિ ન કરી શકતો હોય તો નવું પુણ્ય ખાતામાં જમા નહિ થાય પરંતુ નવા કર્મ ન બાંધો જેથી પાપનું પલ્લું ભારે ન થાય.માનવી જો માનવ ધર્મ પણ કરે કે માનવતા રાખે તો તેના પુણ્યમાં પણ ઉમેરો થાય જ છે.
અમુક માનવી ધર્મની આડમાં પોતાનું નામ સમાજમાં આગળ લાવવા કે પોતાની આબરૂ વધારવા ખોટા કામો પણ કરતા હોય છે જેની બીજા લોકોને ખબર પડતી નથી પરંતુ જ્યારે પાપનો ઘડો ફૂટી જાય છે ત્યારે તેની આબરૂનાં ધજાગરા થઈ જાય છે અને તે સાવ ખુલ્લો થઈ જતા લોકો તેના પર ફિટકાર વરસાવે છે.
ધર્મિષ્ઠ થવાનો દેખાડો છોડીને કર્મિષ્ઠ ન બનવું જોઈએ. જે માનવીને ધર્મ જ કરવો છે તેને સાચા હ્દયથી જ કરવો જોઈએ. પોતાનાથી જેટલો ધર્મ થાય તેટલો કરવો પણ લોકોને બતાવવા ખાતર ધર્મ કરી પાપમાં પડવું ન જોઈએ. ખોટું બોલવું, કોઈને ઉતારી પાડવા, ઝૂંટવી લેવું, વસ્તુ છીનવી લેવી કે દગો આપવો કે કોઈની જોડે બનાવટ કરવી, છેતરપીંડી કરવી, ચોરી કરવી, ધંધામાં ભાગીદાર કે ગ્રાહકો જોડે બનાવટ કરવી, અનિતીથી કામ કરવું, પરસ્ત્રી પર બુરી નજર કરવી કે પરસ્ત્રી ગમન કરવું તથા ધાર્મિક રીતે રચાયેલા સિદ્ધાંતોથી વિરૂદ્ધ ક્રિયા કરતા દૂર રહેવું જોઈએ.
કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો જ નથી તે જાણીને પણ આજ પછી નવા કુકર્મો બાંધીને પાપમાં પડવાનો કોઈ અર્થ ન હોવાથી નવા ખોટા કામ કરવા ન જોઈએ જેથી પાપ ન બંધાય. કર્મ જાણતા કે અજાણતા થતા હોય છે, પરંતુ જાણીને કર્મ બાંધતા પાપનાં ખાડામાં તે વધારે ઉંડે ઉતરે છે. જાણતા કે અજાણતા કોઈને દુભાવવા ન જોઈએ. ધર્મ કરવાથી પુણ્યમાં વધારો થતા હવે પછીનું જીવન કે આવતા ભવમાં અત્યાર સુધી કમાયેલા પુણ્યથી ભવિષ્યમાં આત્માને લાભ મળે છે.