ડોક્ટર દંપતીને સસ્તા સોનાના દાગીનાની લાલચમાં ‘વાંદરી ગેંગ’ના સભ્યોએ છેતર્યા

AI Image
રાજકોટમાં મહિલા ડૉક્ટરે કરેલી આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, ‘વાંદરી ગેંગ’ના ચાર સભ્યો ઝડપાયા
(એજન્સી)રાજકોટ, રાજકોટની બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. આખરે આ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસે સમગ્ર મામલે ‘વાંદરી ગેંગ’ના ચાર સભ્યોની ધરપકડ કરી છે.
જ્યારે ફરાર ત્રણ મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ડોક્ટર દંપતી સસ્તા સોનાના દાગીનાની લાલચમાં છેતરાયા હતા.
રાજકોટના રોણકી ૮૦ ફૂટ રોડ પર આસ્થા સાંગ્રીલામાં રહેતા અને ઘર નજીક ક્લિનિક ધરાવતા ડો. ધવલ પ્રવીણભાઈ મોલિયા (ઉં.વ. ૨૮) અને આરએમસી ચોકમાં બાલાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી તેમની પત્ની ડો. એન્જલ ગત તા. ૧૯ના રોજ સસ્તા સોનાના દાગીનાની લાલચમાં રૂપિયા ૫ લાખ ગુમાવ્યા હતા. આ ઘટનાના બે દિવસ બાદ ડો. એન્જલે પોતે જ્યાં ફરજ બજાવતી હતી તે હોસ્પિટલમાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ લીધો હતો.
જેને કારણે ગત તા. ૨૪ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અને ચોંકાવનારી ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસે તબીબ દંપતી સાથે છેતરપિંડી કરનાર મહિલા સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ આ ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા.