પત્નિએ ડોક્ટર પતિને રંગેહાથ પકડી પાડ્યો તો ત્રાસ આપવાનું શરૂ કર્યું
પરિવારના સભ્યોએ પણ વહુના બદલે તેને સપોર્ટ આપ્યો હતો, લગ્ન થયાં ત્યારથી જ ડોક્ટર તેની પત્નીને હેરાન કરતો હતો-અન્ય મહિલા સાથે પ્રેમ થતાં ડોક્ટરે પત્ની-દીકરીને તરછોડ્યા
અમદાવાદ, લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથે પ્રેમ થઈ જતાં ડોક્ટરે પત્ની અને નાનકડી દીકરીને તરછોડી દીધી હોવાનો કિસ્સો શહેરના હાંસોલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. લગ્ન થયા ત્યારે તે હિંમતનગરની હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને થોડા સમય બાદ દાહોદના લીમડીમાં પોતાની હોસ્પિટલ ખોલી હતી.
તે વીકએન્ડમાં પરિવારને મળવા આવતો હતો. આ દરમિયાન મહિલાને દાળમાં કંઈક કાળું હોવાની શંકા જતાં અચાનક લીમડી પહોંચી હતી, જ્યાં પતિ પ્રેમિકા સાથે એક જ રૂમમાં જાેવા મળ્યો હતો. પોતાની પોલ ખૂલી જતાં ડોક્ટર પતિએ તેને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું
અને પૂછ્યા વગર બીજીવાર અહીં આવવાનું નહીં અને જાે આવી તો મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે અમદાવાદ પરત આવી હતી અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, લગ્નના ૧૫ દિવસ બાદ તેનો પતિ નાની-નાની વાતમાં ઝઘડો કરવા લાગ્યો હતો.
પિતાએ દહેજમાં કંઈ ન આપ્યું હોવાનું કહીને પિયરમાંથી હવે ૨૦ લાખ રૂપિયા અને કાર લઈ આવવું કહેતા હતા. સાસુ-સસરા પણ તેની સાથે અણછાજતું વર્તન કરતાં હતા. આ સિવાય તેને જમવાનું સરખું બનાવતા નથી આવડતું અને જ્યારથી તેના પગલાં ઘરમાં પડ્યા છે ત્યારથી શાંતિ હણાઈ ગઈ છે તેમ કહીને મહેણા-ટોણાં મારતાં હતા.
જ્યારે તે દહેજ ન લાવી શકી તો તેને મનફાવે તેવા અપશબ્દો કહીને માર માર્યો હોવાનો પણ તેણે આરોપ મૂક્યો હતો. ફરિયાદીના કહેવા પ્રમાણે, દીકરીના જન્મના થોડા સમય બાદ તેને પતિનું ચક્કર બીજે ક્યાંક ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેણે રંગેહાથ પકડી પાડ્યો તો વધારે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
તેણે આ વાત સાસુ-સસરાને કહી તો ‘અમે બધું ઠીક કરી દઈશું’ તેવું આશ્વાસન આપ્યું હતું અને અમદાવાદ પરત બોલાવી હતી. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો તો લીમડીમાં રહેતા હતા. એક દિવસ સાસરિયાંએ મહિલાને ગામ બોલાવી હતી અને ભૂવા પાસે ગઈ ગયા.
જ્યાં કેટલીક વિધિ કરાવી હતી. જ્યારે તે અમદાવાદ પરત આવી તો દિયર અને દેરાણીનો ત્રાસ શરૂ થયો હતો. તેઓ તેને પતિની લાઈફમાં પાછા ન ફરવા અને હંમેશા માટે અમદાવાદમાં જ રહેવાનું કહેતા હતા. આ સિવાય જાે તેણે તેમ ન કર્યું તો દીકરીને મારી નાખશું તેવી ધમકી પણ આપી હતી, તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
કંટાળેલી મહિલાએ અંતે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું. પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. SS1DP