પતિ કોમામાં હોવાનું કહી ડોક્ટર પત્ની પાસેથી રુપિયા લૂંટતા રહ્યા

રતલામ, મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાંથી માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જ્યાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક દર્દીને વોર્ડમાં બંધક બનાવી તેના પરિવાર પાસેથી પૈસા લૂંટી રહ્યા હતા. ખુલ્લી લૂંટનો આ કિસ્સો રતલામની જીડી હોસ્પિટલનો છે.
આરોપ છે કે, હોસ્પિટલ મેનેજમેન્ટે આઈસીયુમાં દાખલ દર્દી બંટી નિનામાને બળજબરીથી રોકી રાખ્યો હતો અને તેની પત્ની પાસેથી સારવારના નામ પર રૂપિયા લૂંટી રહ્યા હતા.
હોસ્પિટલ પ્રશાસનની ગુંડાગીરી ત્યારે સામે આવી જ્યારે બંટી ખુદ આઈસીયુમાંથી બહાર આવ્યો અને પોતાની આપવીતી જણાવી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અર્ધનગ્ન અવસ્થામાં દર્દીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો હોસ્પિટલ પ્રશાસન સાથે જ સરકાર પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
જાણકારી અનુસાર, એક વિવાદમાં ગંભીર રીતે ઘાયલ બંટી ૨ માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બંટીની પત્ની લક્ષ્મી નિનામાનો આરોપ છે કે હોસ્પિટલે તેને પહેલા પૈસા જમા કરાવવા માટે કહ્યું. ત્યાર બાદ કહ્યું કે, તેનો પતિ કોમામાં જતો રહ્યો છે. તેણે કહ્યું કે, બંટીની કરોડરજ્જુમાં હાડકું તૂટી ગયું છે અને બોલવાની સ્થિતિમાં નથી. એટલું જ નહીં તેમણે વધુ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું.
જ્યારે તે પૈસા લઈને આવી તો પતિ ખુદ હોસ્પિટલની બહાર નીકળી ગયો. બંટીએ ખુદ આઈસીયુમાંથી બહાર આવીને કહ્યું કે, તેને બળજબરીપૂર્વક બંધક બનાવી રાખ્યો હતો.
બંટી નિનામાએ આરોપ લગાવ્યો કે તે ભાનમાં આવ્યા બાદ પોતાના પરિવારને મળવા માગતો હતો. પણ હોસ્પિટલ તેને મળવા દેતી નહોતી. તેના હાથ પગમાં દોરડા બાંધી રાખ્યા હતા અને તેને બહાર નીકળવા દેતા નહોતા. હોસ્પિટલમાંથી બહાર નીકળતા તેણે આ વાતની જાણકારી પોલીસને આપી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
તો વળી જીડી હોસ્પિટલના મેનેજર નંદકિશોર પાટીદારે હોસ્પિટલના પક્ષમાં સ્પષ્ટતા આપતા કહ્યું કે, બંટીને ખાલી તેની સુરક્ષા માટે બાંધવામાં આવ્યો હતો. જેથી તે ખુદને નુકસાન પહોંચાડી શકે નહીં.
હોસ્પિટલ પ્રશાસનનો દાવો છે કે, બંટીએ સ્ટાફ સાથે ગાળાગાળી કરી અને કાતર ઉઠાવી હુમલો કરવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ તેણે માહોલ બગાડવાની કોશિશ કરી અને હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયો.SS1MS