Western Times News

Gujarati News

ઓનલાઈન પોકરમાં લાખો રૂપિયા ડોક્ટરે ગુમાવી દીધા

અમદાવાદ, શહેરના સીટીએમ વિસ્તારમાં રહેતા એક ઓપ્થેલ્મોલોજિસ્ટે ઓનલાઈન પોકર ગેમ રમતાં હારી ગયેલા પૈસા પિતા પાસેથી લેવા માટે કથિત રીતે પોતાના અપહરણની નાટક રચ્યું હતું, તેમ શહેરના ક્રાઈમ બ્રાંચ અધિકારીઓએ તે ડોક્ટરની ધરપકડ બાદ જણાવ્યું હતું.

શહેરના ક્રાઈમ બ્રાંચના પ્રેસ સ્ટેટમેન્ટ પ્રમાણે, શહેરના ઘોડાસર વિસ્તારમાં ક્લિનિક ચલાવતો ૩૩ વર્ષીય ડો. સંકેત શાહ બુધવારે સવારે ગુમ થયો હતો. તેના પિતા કિરીટ શાહને તેમના ફોનમાં સંકેત માટે ૧૫ લાખ રૂપિયાની ખંડણી માગતો ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.

સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સંકેતે પોતે જ મેસેજ મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું ‘તમારો દીકરો અમારા કબ્જામાં છે. જાે તમે તમારા દીકરાનો જીવતો ઈચ્છતા હો તો ૧૫ લાખ રૂપિયા મોકલો. હું તમને જણાવીશ કે પૈસા ક્યાં અને કેવી રીતે મોકલવાના છે. જાે તમે આ વિશે પોલીસને જાણ કરી તો તમને તમારા દીકરાની લાશ મળશે’.

કિરીટ શાહે ખોખરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને દીકરા સંકેતના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સંકેતે બાદમાં તેના પિતાને વધુ એક મેસેજ મોકલ્યો હતો, જેમાં તેમને પૈસા તૈયાર રાખવાનું અને સોલાના સાયન્સ સિટીના ગેટ પર પહોંચવાનું કહેવામાં આવ્યું હતું, તેમ સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરાયો છે.

શહેર ક્રાઈમ બ્રાંચની ટીમને કેસ સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે સંકેતને એકલો કારમાં ફરતો જાેયો હતો અને ત્યારે તેણે પોતાના જ અપહરણની કહાણી ઘડી હોવાની જાણ થઈ હતી.

પૂછપરછ દરમિયાન સંકેતે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે, તેણે તેના મિત્રોને આશરે ૨૬.૫૦ લાખ આપવાના હતા, જે તેણે મોબાઈલ એપ્લિકેશનમાં પોકર રમવા માટે લીધા હતા. તેણે વર્ષ ૨૦૧૭થી પોકર રમવાનું શરૂ કર્યું હતું અને તે તેનું વ્યસન થઈ ગયું હતું અને પૈસા ગુમાવતો રહ્યો હતો, તેમ પોલીસ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે.

નવેમ્બરમાં સંકેતે અન્ય વાર્તા ઘડી હતી, જેમાં તેણે તેના પિતા કિરીટને દાણીલીમડા નજીક અકસ્માતમાં તેના લીધે કોઈને ઈજા પહોંચી હોવાનું અને લોકો તેને મારી નાખવાની ધમકી આપતાં હોવાનું કહ્યું હતું. તે લોકોને આપવા માટે તેને ૧૨ લાખ રૂપિયાની જરૂર હોવાનું તેણે જણાવ્યું હતું. તે સમયે તેના પિતાએ તરત જ તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, જેનાથી તેણે તેના દેવાનો થોડો ભાગ ચૂકવ્યો હતો. તેને વધુ ૧૪.૫૦ લાખ રૂપિયા આપવાની જરૂર હોવાથી, પોતાના અપહરણની સ્ટોરી ઘડી કાઢી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.