ડોક્ટર બનવાના સપના જોતી વિદ્યાર્થીનીઓને પાંખો આપતી ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના
Ø વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ. ૬૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Ø યોજના હેઠળ MBBSના અભ્યાસ માટે ૪ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવે છે
વિકસીત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં ગુજરાત હર હંમેશ અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓની ફળશ્રુતી રૂપે રાજ્યની દિકરીઓ શિક્ષિત થઈ આત્મનિર્ભર બની રહી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની દિકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)’ રાજ્ય સરકારના આ જ અભિગમને ચરિતાર્થ કરતી યોજના છે.
‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકીર્દી બનાવવા માટે રૂ. ૬૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરતી ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે (MBBS) પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી દિકરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો-૧૨ પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા MBBS ના અભ્યાક્રમ માટે રૂ. ચાર લાખની સહાય ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીને NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલ હોવો જરૂરી છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યની ‘વ્હાઈટ-કોટ‘ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના ડોક્ટર બનવાના સપનાંને સાકાર કરી રહી છે. ડોક્ટર બનવાના સપના જોતી દરેક વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૧૬૦ કરોડની જોગવાઈ કરી છે.