સ્પાઇનને લગતી ગંભીર બિમારીથી બચવા BMI અને ઓબેસીટીને નિયંત્રણમાં રાખવા તબીબોની સલાહ
અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે વર્લ્ડ સ્પાઇન ડે ની ઉજવણી-
ખાન-પાન અને રહેણીકરણી પર વિશેષ ધ્યાન આપી યોગા અને કસરત કરીને સ્પાઇનને ગંભીર તકલીફથી બચાવી શકાય છે – શ્રી મનોજ અગ્રવાલ
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં આજે અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા વર્લ્ડ સ્પાઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
મુવ યોર સ્પાઇન થીમ આધારીત સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્પાઇન ડે-2023 ની ઉજવણી થઇ રહી છે ત્યારે સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલ દ્વારા લોકોને સ્પાઇન સંબંધિત વિવિધ બિમારી,તકલીફ અને ખાસ કરીને તકેદારીથી માહિતગાર કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન જીવનશૈલીના પરિણામે દેશ અને દુનિયામાં સ્પાઇન સંબંધિત તકલીફમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા સ્પાઇન સંબંધિત અત્યંત જટીલ અને રેર કહી શકાય તે પ્રકારની સર્જરી તેમજ પ્રો-એક્ટિવ કેર માટે દર્દીઓને સમજણની શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે જે આવકાર્ય છે.
વિશ્વમાં એક બિલીયન લોકો સ્પાઇન સંલગ્ન વિવિધ તકલીફ થી પીડાઇ રહ્યા છે ત્યારે આવા લોકોની પીડા દુર કરવા અને અન્ય લોકોને સ્પાઇન સંલગ્ન બિમારીઓથી માહિતગાર કરવા આ દિવસની ઉજવમી સાર્થક છે.
લાઇફ સ્ટાઇલ, હલન-ચલન , બી.એમ.આઇ. ઓબેસીટી આ તમામ પરિબળો સ્પાઇનને લગતી બિમારી સાથે સંકળાયેલા હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
શ્રી અગ્રવાલે લોકોને બી.એમ.આઇ. ને નિયંત્રીત રાખવા અને ઓબેસીટી વધતા તેનું વજન સ્પાઇન ઉપર આવે છે ત્યારે તેને પણ નિયંત્રણમાં રાખવા માટેની સલાહ આપી હતી.
વલર્ડ સ્પાઇન ડે ની ઉજવણી આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશ ડૉ. રાધવેન્દ્ર દિક્ષીત, સિવીલ સુપ્રીટેન્ડટ ડૉ. રાકેશ જોષી, ડેન્ટલ ડીન ડૉ.ગીરિશ પરમાર, યુ.એન. મહેતા ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોષી, કિડની ઇન્સ્ટીટ્યુટ ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા, કેન્સર ઇન્સ્ટીટ્યુટ ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, એમ.એન.જે ઇનસ્ટીટ્યુટ ડાયરેક્ટર ડૉ. સ્વાતીબેન, બી.જે.એમ.સી. ડીન ડૉ.ધર્મેશભાઇ સહિત મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યાં હતા.