ગુજરાત સરકાર ધીમે ધીમે બોર્ડ – કોર્પોરેશન બંધ કરવા માંગે છે?

ગુજરાત સરકાર બોર્ડ – કોર્પોરેશનમાં પદાધિકારીઓની નિમણૂંક તો નથી જ કરતી એ તો હકીકત છે પણ એ ઉપરાંત સચિવાલયમાં ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો એક શક્યતા એવી ઉભી થઇ રહી છે છે કે રાજ્ય સરકાર હાલના બોર્ડ-કોર્પોરેશનને પણ બંધ કરવાનું વિચારી રહી છે
અને એ માટે પાછલા દરવાજેથી છૂપી રીતે કાર્યવાહી પણ કરી રહી છે.તેનો એક પુરાવો એ મળ્યો છે કે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક ઠરાવથી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનની ૧૪૪ જગ્યાઓ નાબુદ કરી દીધી છે.
આ રીતે વેરહાઉસિંગ કોર્પોરેશનનુ માળખું નબળું બનાવી દેવાયું છે અને ધીમે ધીમે તેનું અસ્તિત્વ ખતમ કરી દેવામાં આવશે.અગાઉ ગુજરાત ગ્રામ વિકાસ નિગમ ચૂપચાપ બંધ કરી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ,પશુપાલન વિકાસ બોર્ડ વગેરેને પણ લગભગ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ટૂંકમાં હવે ગુજરાત રાજ્યના બોર્ડ- નિગમનું અસ્તિત્વ હવે ક્રમશઃ નાબુદ થશે એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે હોં!
ગુજરાત વિધાનસભા સંકુલમાં આવેલ રેલ્વે રીઝર્વેશન ઓફિસ ખેતરમાંના ચાડિયા જેવી છે!
ગુજરાત વિધાનસભા સંકુલમાં ધારાસભ્યોની સુવિધા માટે પોસ્ટ ઓફિસ,ટેલીફોન ઓફિસ અને રેલવે રીઝર્વેશન ઓફિસ રાખવામાં આવી છે. આમાંની રેલ્વે રીઝર્વેશન ઓફિસ ‘ખેતરમાંના ચાડિયા’ જેવી છે. આ ઓફિસ દરરોજ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે ખુલે છે
જ્યારે રેલ્વેની અન્ય બુકિંગ ઓફિસ સવારે ૮ઃ૦૦ વાગ્યે ખુલી જાય છે.આ બુકિંગ ઓફિસમાં રેલ્વે ટ્રેનના માત્ર સ્લીપર ક્લાસનું જ બુકિંગ થાય છે.થર્ડ એ.સી., સેકન્ડ એ.સી. ક્લાસનું બુકિંગ થતું નથી.આવી સુવિધા વિહોણી અને ભારતની બધી રીઝર્વેશન ઓફિસીસ કરતા અઢી કલાક મોડી ખુલતી રીઝર્વેશન ઓફિસનું ધારાસભ્યોની સેવામાં શું પ્રદાન હશે? એ સમજવું મુશ્કેલ છે હોં!
હર્ષ સંઘવીએ આઈ.પી.એસ. અધિકારી ડો.લવીના સિંહાની પ્રશંસા કરી!
રાજકીય નેતાઓ અને ખાસ કરીને સરકારના મંત્રીઓ આઈ.એ.એસ.કે આઈ.પી.એસ.અધિકારીઓની જાહેરમાં પ્રશંસા કરવાનું ટાળે છે.
પરંતુ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચીલો ચાતરીને તા.૨૦/૦૨/૨૫ના દિવસે વિધાનસભામાં ગુજરાત રાજ્યની ૨૦૧૭ની બેચના આઇ.પી.એસ. અધિકારી અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઇમ), અમદાવાદ તરીકે ફરજ બજાવતા ડો.લવીના સિંહાની ભરપૂર પ્રશંસા કરી હતી.
મહિલા આઈ.પી.એસ. અધિકારીઓને થતાં અન્યાય અંગેના એક પ્રશ્નનો જવાબ આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે ડો. સિંહાએ સી.સી.ટી.વી.ના ફૂટેજ વેચવાની કામગીરી કરતા બદમાશોને તેઓ હજારો કિલોમીટર દુર હોવા છતાં રાતદિવસ ઉજાગરા કરીને માત્ર ૪૮ કલાકમાં ઝડપી લીધા છે.
આ રીતે સંઘવી ગુજરાત વિધાનસભાનાં રેકોર્ડ પર કાયમ રહે એવી પ્રશંસા ડો.લવીના માટે કરી છે.ડો.લવીના એમ.ડી. મેડીસીનની ડીગ્રી ધરાવે છે અને ગુજરાતનાં નિવૃત મુખ્ય સચિવ વરેશ સિંહાના પુત્રી છે.
વિધાનસભાની કેન્ટીનના બદલાયેલા રૂપરંગથી સૌ ખુશ છે!
ગુજરાત રાજ્યની પંદરમી વિધાનસભાના છઠ્ઠા સત્રનો આરંભ તા.૧૯મી ફેબ્રુઆરીથી થઈ ગયો છે અને તે તા.૨૯મી માર્ચ સુધી ચાલવાનું છે.૧૫મી વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી એક સરસ પગલું લીધું છે
અને તે એ છે કે વિધાનસભાની મુલાકાતે આવતા નાગરીકો, પત્રકારોની સુવિધા માટે ભોંય તળિયે રાખવામાં આવેલી કેન્ટીનના રૂપરંગ બદલી નાખ્યાં છે. ચૌધરી આ કેન્ટીન અમૂલ ડેરીને ચલાવવા માટે આપી છે.
નેશનલ બ્રાન્ડ બની ગયેલ અમૂલ દ્વારા કેન્ટીનને અદ્યતન બનાવીને તેનું સ્વરૂપ આકર્ષક બનાવ્યુ છે.આ કેન્ટીનમાં જે ચા-નાસ્તો પીરસવામાં આવે છે તેની ગુણવત્તા પણ ખૂબ સરસ હોય છે. કોઈપણ વિધાનસભાની કેન્ટીન કેવી સરસ અને વ્યવસ્થિત હોવી જોઈએ તેનો ઉત્તમ નમૂનો ગુજરાત વિધાનસભાની કેન્ટીન ગણી શકાય તેમ છે. આ માટે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી અભિનંદનના અધિકારી છે.
ભાનુબહેન બાબરિયાની વિધાનસભાની કચેરી અધિકારીઓ અને પત્રકારો માટે સુવિધા દાયક
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયાની દાઝી ગયા છે એટલે વિધાનસભામાં નથી આવતાં પણ એમની વિધાનસભામાંની કચેરી પત્રકારો અને અધિકારીઓ માટે તો ખૂબ જ ઉપયોગી બને છે.
એનુ કારણ એ છે કે ભાનુબહેન બાબરિયાની ઓફિસ વિધાનસભામાં અધિકારી ગેલેરી અને પત્રકાર ગેલેરી માટના પ્રવેશદ્વારની બરોબર સામે જ છે.
આ કારણે પોતપોતાની ગેલેરીમાંથી બહાર નીકળતા અધિકારીઓ અને પત્રકારો પાણી પીવા,ચા પીવા કે બેસીને કંઈક નોંધ કરવા માટે ભાનુબહેન બાબરિયાની કચેરીનો ઉપયોગ કરે છે અને ભાનુબહેનનો સ્ટાફ પણ આવનારા સૌની હ્રદયપૂર્વક સરભરા કરે છે.આ પણ વિધાનસભાનું એક અનોખું દ્રશ્ય છે હોં!