દહેગામ ન.પા.ની શિક્ષણ સમિતિના ચેરમેન ડોલીબેને રાજીનામુ આપ્યુ
ગાંધીનગર, દહેગામ ભાજપ સંચાલિત નગરપાલિકામાં શિક્ષણ સમિતિના ચેરમેને રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપનો આંચકો આવ્યો છે.
આ મામલો જિલ્લાના રાજકીય વર્તુળોમાં મુદ્દો ચર્ચાનો બન્યો છે. શિક્ષણ સમિતિના ચેરમેને આપેલા રાજીનામાના મુદ્દે દહેગામ ભાજપમાં પણ સન્નાટો વ્યાપી જવા પામ્યો છે તેમજ કોઈ કશુ જ બોલવા તૈયાર નથી તેથી કાર્યકરો પણ મુંઝવણમાં મુકાયા છે અને મૌન ધારણ કરી લીધું છે.
શિક્ષણ સમિતિના ચેરમેનની કામગીરીના વખાણ જિલ્લા ભાજપ પ્રમુખ જાહેરમાં કરી ચુકયા છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ શિક્ષણ સમિતિના ચેરમેન કોઈ ખોટી વાત ચલાવી લેવાના મુડમાં નહોતા અને પાલિકામાં કોઈ પણ જગ્યાએ ખોટુ થતુ હતુ તો ત્યાં અવાજ ઉઠાવતા હતા.
આ અંગે લેખિત રજૂઆત પણ જિલ્લા પ્રમુખને પણ કરતા, તેમના આ અવાજને વિરોધી તરીકે ચિતરવામાં આવતા હતા અને આખરે તંગ આવી ગયેલા ચેરમેને રાજીનામુ ધરી દીધુ હોવાની ચર્ચાઓ છે.
જાેકે ચેરમેન ડોલીબેન તલાટીએ અંગત કારણનું બહાનુ ધરીને રાજીનામુ આપ્યુ હોવાની વાતો છે પણ આંતરિક વાતો કંઈક અલગ જ સંકેતો આપી રહેલ છે.
દહેગામ પાલિકામાં ભાજપના કેટલાક સભ્યો પોતાની મનમાની ચલાવીને ગેરકાયદે કામોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ડોલીબેનના રાજીનામાથી હાલ તો પ્રમુખ અંગત કારણોસર રાજીનામાનો પત્ર મળ્યો છે તેમ કહી રહ્યા છે પરંતુ દહેગામ પાલિકામાં ચૂંટાયેલી પાંખમાં મડાગાંઠ ઉભી થઈ છે તે વાત નિશ્ચિત છે.