વિજાપુરમાં પાલિકાના પૂર્વ પ્રમુખના પાર્લરમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો
દારૂનું વેચાણ કરનાર સગીર અને મહિલાની ધરપકડ ઃ કુલ રૂ.ર૦,૩૩રનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, વિજાપુરના ભાઠીયાવાસમાં પાલિકાના પૂર્વ પ્રમુખના રહેણાંક મકાન અને બાજુમાં આવેલ પાન પાર્લરમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સચોટ બાતમીના આધારે રેડ કરી રૂ.ર૦ હજારની કિંમતનો દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પાલિકાના પૂર્વ પ્રમુખના પાર્લરે પગાર ઉપર દારૂનું વેચાણ કરતો સગીર તેમજ તેની માતા ઝડપાયા હતા.
જાેકે રેડ દરમિયાન દેશી-વિદેશી દારૂનું ગેરકાયદે વેપલો કરાવતો પૂર્વ પ્રમુખ મળી આવ્યો ન હતો. એસએમસીએ દેશી-વિદેશી દારૂનો ગેરકાયદે ધંધો કરાવનાર પાલિકાનો પૂર્વ પ્રમુખ, વેચાણ કરનાર માતા અને સગીર, દેશી- વિદેશી દારૂ મોકલનાર અને આપી જનાર સામે વિજાપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ગત બુધવારે સચોટ બાતમી મળી હતી કે વિજાપુરના ભાઠીયાવાસમાં રહેતા અને પાન પાર્લર ચલાવતા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ઉર્ફે દિપોરામ દિનેશસિંહ ચૌહાણ પાર્લરમાં માણસ રાખી દેશી-વિદેશી દારૂનો ગેરકાયદે વેચાણ કરાવે છે. જેના આધારે એસએમસીની ટીમે બુધવારની રાત્રિએ ૧૧-૦૦ વાગે તેના રહેણાંક મકાન તેમજ પાન પાર્લરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પાર્લરમાં રૂ.૭ હજારના માસીક પગારે રાખેલ સગીર તેમજ તેની માતા મોનબા દિનેશસિંહ ચૌહાણ દેશી-વિદેશી દારૂનું ગેરકાયદે વેચાણ કરતા ઝડપાયા હતા.
એસએમસીએ રેડ દરમિયાન રૂ.૧૩,૪૦૪ની કિંમતનો વિદેશી દારૂ-બીયરની પ૮ બોટલ, રૂ.૯,૪૦૦ની કિંમતનો દેશી દારૂ, રૂ.૬,ર૪૦ રોકડ તેમજ રૂ.પ૦૦નો એક મોબાઈલ મળી કુલ રૂ.ર૦,ર૩રનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાન પાર્લરમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ કરાવનાર વિજાપુર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિહ ઉર્ફે દિપોરામ ચૌહાણ (વોન્ટેડ), વેચાણકરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, મોનબા દિનેશસિંહ ચૌહાણ, દેશી દારૂ મોકલનાર હિંમતનગરના સરોલીનો કાળુસિંહ ભવાનસિંહ ચૌહાણ અને આપી જનાર બબો નામનો વ્યક્તિ તેમજ વિદેશી દારૂનો જથ્થો આપનાર અજાણ્યા શખસ સામે વિજાપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.