ટેરિફ યુધ્ધ કરોડો રૂપિયાના Exportના વ્યાપારને નુકસાનની સંભાવના
ભારતમાંથી ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી ફાર્માસ્યુટિકલ, એન્જીનિયરીંગ ગુડસ, પેટ્રો પ્રોડકસ સહિતની ચીજવસ્તુઓની નિકાસ અમેરિકામાં થાય છે
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ દ્વારા ટેરિફ યુધ્ધ શરૂ કરાયા પછી થોડે ગણે અંશે પીછેહટ કરવામાં આવ્યા પછી પણ આગામી દિવસોમાં ક્યા- ક્યા દેશો તેમના નિશાના પર આવશે તેને લઈને વૈશ્વિક કક્ષાએ ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ભારતના સંદર્ભમાં વિચારીએ તો ભારત અમેરિકામાં કરોડો રૂપિયાની ચીજવસ્તુઓની નિકાસ કરે છે.
ભારત- અમેરિકા વચ્ચેનો વ્યાપારને અસર થાય તો તે બંને દેશમાંથી કોઈને પોષાય તેમ નથી તેમ છતાં મહાસત્તાઓના પોતાના સિધ્ધાંતો- નિયમો અલગ હોઈ શકે છે તેને વિશ્વના દેશો પડકારવાનં સાહસ કરી શકતા નથી. ભારત એક વ્યવહાર કુશળ નેતૃત્વ ધરાવતો દેશ રહયો છે ટ્રેડવોર ૧૪૦ કરોડની આબાદી વાળા દેશને પોષાય તેમ નથી. અને તેથી અમેરિકા નિકાસ થતી કેટલીક વસ્તુઓ પર ભારતે કસ્ટમડયુટી ઘટાડી હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંમ્પ યુરોપિયન સંઘ અને ભારત સામે કેવા પગલાં લે છે તેના પર અત્યારે તો સરકારની નજર મંડાયેલી છે.
ભારત- અમેરિકા વચ્ચે વ્યાપાર કરોડો રૂપિયાનો છે જો ટ્રંમ્પ ભારતથી આયાત થતી ચીજવસ્તુઓ પર ટેરિફ લગાડે તો વ્યાપાર ધંધાને માઠી અસર થાય તેમ છે. ભારતમાંથી અમેરિકાને ટેકસટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, એન્જીનિયરિંગ ગુડસ, પેટ્રો પ્રોડકટસ, ટેલિકોમ્યુનિકેશન ઈન્સ્ટ›મેન્ટ સહિતની ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે
એપ્રિલથી ડીસેમ્બર ર૦ર૪-રપ દરમિયાન ભારતે અમેરિકાને અંદાજીત રૂપિયા પ.૧૮ લાખ કરોડની નિકાસ કરી હોવાનું કહેવાય છે આમ ભારતની નિકાસ અમેરિકામાં કરોડો રૂપિયાની છે. જો અમેરિકા- ભારત વચ્ચે સંબંધ વણસે તો ભારતે પણ મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય તેમ છે. તો બીજી તરફ અમેરિકા પણ તેમાંથી બાકાત રહી શકે તેમ નથી.
સંભવતઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમેરિકા જવાના છે ત્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ સાથે આ વિષય પર વાતચીત કરશે તે અપેક્ષિત મનાય છે પરંતુ અમેરિકાના સંભવિત પગલાં સામે ભારતે પણ તૈયારીઓ હાથ ધરી હોવાનું વાત સામે આવી રહી છે.