Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્કમટેક્સ સાવ નાબૂદ કરવાની તૈયારીમાં અમેરિકા!

અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બનતા જ ઇન્કમ ટેક્સ સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની પોતાની વાત પર ભાર મૂક્યો છે

વોશિંગ્ટન,  અમેરિકામાંથી ઇનકમ ટેક્સ સમાપ્ત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇનકમ ટેક્સ સમાપ્ત કરીને તેની જગ્યાએ ટેરિફ લાદવાની તરફેણ કરી છે. ટ્રમ્પની સાથે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસને પણ ઇનકમ ટેક્સ નાબૂદ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો છે.

ટ્રમ્પે ૨૭ જાન્યુઆરીએ ફ્લોરિડાના ડોરલમાં આયોજીત ૨૦૨૫ રિપબ્લિકન ઇશ્યૂઝ કોન્ફરન્સમાં પોતાનો મહત્વાકાંક્ષી કાયદાકીય એજન્ડા રજૂ કરતી વખતે કહ્યું કે, “આ સમય છે કે અમેરિકા તે પ્રણાલીમાં પરત ફરે જેને આપણને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યા છે.” ટ્રમ્પે સૂચન કર્યું કે અમેરિકા વિદેશી નાગરિકો પર ટેરિફ અને ટેક્સ લગાવીને પોતાની સમૃદ્ધિ વધારી શકાય છે.

ટ્રમ્પે કહ્યું, “અમેરિકા ટૂંક સમયમાં ખૂબ જ સમૃદ્ધ બનવાનું છે. ૧૯૧૩ પહેલા અમેરિકામાં કોઈ ઇનકમ ટેક્સ નહોતો અને ભૂતકાળમાં ટેરિફ સિસ્ટમ આપણને સમૃદ્ધ બનાવતી હતી.” તેમણે દાવો કર્યો હતો કે, ટેરિફને કારણે અમેરિકાએ ૧૮૭૦ થી ૧૯૧૩ વચ્ચેનો સૌથી સમૃદ્ધ સમય જોયો.

તેમણે ૧૮૮૭ ના “ગ્રેટ ટેરિફ કમિશન” નો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તે સમયે અમેરિકા એટલું સમૃદ્ધ હતું કે સરકારને પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરવા માટે એક કમિશન બનાવવું પડ્યું હતું.” ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, “વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ અને ટેક્સ લગાવીને આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વિદેશી પ્રોડક્ટ્‌સ પર ટેક્સ લગાવીને અમેરિકાએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવી જોઈએ.

યુએસ સેનેટ દ્વારા ટ્રેઝરી સેક્રેટરી તરીકે પુષ્ટિ મળ્યા પછી તરત જ, સ્કોટ બેસેંટે અમેરિકામાં ઇનકમ ટેક્સ સમાપ્ત કરવાની પણ વાત કરી. ઠ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, “ટ્રેઝરી સેક્રેટરી તરીકે, હું ઇનકમ ટેક્સ નાબૂદ કરવા, તેને નિષ્પક્ષ ઉપભોગ કર સાથે બદલવા અને સોના પર આધારિત ચલણ અપનાવવા માટે પ્રતિબદ્ધ છું.

આપણે દેવું દૂર કરીશું, નાણાકીય પ્રાઇવેસી પુનઃસ્થાપિત કરીશું અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી ટેકનોલોજીઓ અનલાક કરીશું. સુવર્ણ યુગ હવે શરૂ થાય છે.” ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફેડરલ ઇનકમ ટેક્સ દર ૧૦ ટકાથી ૩૭ ટકા સુધીનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ભલે આવકવેરો નાબૂદ કરવા અને વિદેશી નાગરિકો અને વસ્તુઓ પર ટેક્સ લગાવવા વાત કરતા હોય, પરંતુ અર્થશાસ્ત્રીઓ માને છે કે આ કાર્ય એટલું સરળ કે ફાયદાકારક નથી જેટલો તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે ટેરિફ એ સમૃદ્ધિ વધારવાનો એક અક્ષમ માર્ગ છે. ટેરિફ એ વિદેશી વિક્રેતાઓ પાસેથી ખરીદેલા માલના ભાવનો એક ભાગ છે. અમેરિકામાં આ ફી દેશના ૩૨૮ પ્રવેશ બંદરો પર કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એજન્ટો દ્વારા વસૂલવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.