ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે વધુ એક કડક પગલું ભર્યું છે. ગુરુવારે તેમણે સીબીપી હોમ નામની એક નવી એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
આ એપ યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને સ્વૈચ્છિક રીતે દેશ છોડવાની તક આપે છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે લોકો આ વિકલ્પનો ઉપયોગ નહીં કરે તેમને બળજબરીથી દેશનિકાલ કરવામાં આવશે અને ભવિષ્યમાં અમેરિકામાં ફરીથી પ્રવેશવા પર આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડશે.
જો કે, ટ્રમ્પે એવો સંકેત પણ આપ્યો છે કે જે લોકો સ્વેચ્છાએ દેશ છોડવાનું પસંદ કરશે તેમને ભવિષ્યમાં કાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાની તક મળી શકે છે.
આ જાહેરાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમારા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો પાસે બે રસ્તા છે. કાં તો તેઓ સરળતાથી સ્વૈચ્છિક દેશનિકાલનો વિકલ્પ પસંદ કરે અથવા તો તેમને સખત રીતે દેશનિકાલ કરવામાં આવશે, જે તેમના માટે સુખદ નહીં હોય.”ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્ર પર પણ નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે બિડેન વહીવટીતંત્રે સીબીપી વન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ૧ મિલિયનથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. હવે તેમના વહીવટીતંત્ર દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને સ્વેચ્છાએ દેશ છોડવાની સરળ રીત આપવા માટે સીબીપી હોમ એપ લોન્ચ કરવામાં આવી રહી છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, “જો તેઓ સ્વેચ્છાએ દેશ છોડે છે, તો તેઓને ભવિષ્યમાં કોઈક સમયે કાયદેસર રીતે પાછા ફરવાની તક મળી શકે છે. પરંતુ જો તેઓ આ તકનો લાભ નહીં લે, તો તેમને શોધીને દેશનિકાલ કરવામાં આવશે અને તેમને ફરીથી ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓ ફરી ક્યારેય પ્રવેશ કરી શકશે નહીં.”
ટ્રમ્પે એવો પણ દાવો કર્યાે હતો કે સીબીપી હોમ એપ દ્વારા સ્વૈચ્છિક દેશનિકાલથી સરકારના સંસાધનોની બચત થશે. તેમણે માહિતી આપી હતી કે આ એપ હવે તમામ મોબાઈલ એપ સ્ટોર્સ પર વિના મૂલ્યે ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને આ મુદ્દે ટીકાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
સીએનએનના એક અહેવાલ અનુસાર, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં જ સેંકડો સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરી દીધા છે, પરંતુ તેમની ઓળખ અથવા તેમની વિરુદ્ધના પુરાવા જાહેર કરવાનો ઇનકાર કર્યાે છે.
આ કારણોસર, સ્થળાંતર કરનારા પરિવારો અને નાગરિક અધિકાર જૂથોએ સરકારની આ નીતિની ટીકા કરી છે. તેઓ એવી દલીલ કરી રહ્યા છે કે આ પગલું નાગરિક સ્વતંત્રતાઓને નબળી બનાવી રહ્યું છે.SS1MS