વાવ પ્રાથમિક શાળાનાં બાળકોને ભક્ત પરિવાર તરફથી સ્વેટરનું મહાદાન
હાંસોટ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત જિલ્લાની શ્રેષ્ઠ આદર્શ શાળા એવી વાવ પ્રાથમિક શાળા (તા.કામરેજ) માં મુખ્ય દાતા પરિવાર એવાં સ્વ.જીવાભાઈ સામભાઈ ભક્ત પરિવાર તરફથી શાળામાં અભ્યાસ કરતાં તમામ ૫૦૦ બાળકોને સુંદર મજાનાં સ્વેટરનું દાન પ્રાપ્ત થયેલ છે. દાતા પરિવારનાં અને અમેરિકાથી પધારેલ પ્રભુભાઈ ભક્ત તથા કામરેજ ચાર રસ્તા સ્થિત ભારતીય વિદ્યામંડળનાં માનદ મંત્રી વિનુભાઈ ભક્તનાં વરદ હસ્તે ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં તમામ બાળકોને આ કડકડતી શિયાળાની ઠંડીમાં સ્વેટરનું દાન પ્રાપ્ત થયુ એ ખૂબ જ સરાહનીય બાબત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાવનાં ભક્ત ફળિયામાં રહેતાં સ્વ. જીવાભાઈ સામભાઈ ભક્ત પરિવાર તરફથી આશરે ૨ કરોડનાં દાન થકી બાળકો માટે જિલ્લાની શ્રેષ્ઠ કહી શકાય એવી અદ્યતન શાળા બનાવી આપવામાં આવેલી છે. દાતા પ્રતિ ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી શાળાનાં આચાર્ય પ્રજ્ઞાબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. ભક્ત પરિવારનાં આ યજ્ઞકાર્યથી બાળકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. વાલીજનોએ પણ દાતાની આ ઉમદા સખાવતને બિરદાવી હતી.